સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (18:12 IST)

રાજકોટ શહેરમાં AIIMS ફાળવવા અંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જાહેરાત કરી

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરને AIIMS ફાળવવા અંગેની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ હોસ્પિટલના નિર્માણથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને ઘણો જ ફાયદો થશે. રાજકોટ શહેરના ખંઢેરીમાં આ નવી AIIMS મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે. રૂ.1200 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજકોટને AIIMS ફાળવવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનો આભાર માને છે. 
રાજ્યના મોટા શહેરો જેમ કે, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ભૂજ સહિતના અનેક શહેરોમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે. રાજ્યમાં રિસર્ચનું કામ ઓછું થતું હતું. AIIMS હોસ્પિટલમાં રિસર્ચ સેન્ટર, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એમ તમામ સુવિધાઓ એક સાથે ઉપલબ્ધ હોવાથી ગુજરાતને ઘણો જ ફાયદો થશે.  રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી AIIMS માટે જરૂરી જમીન અંગેની માહિતી માગવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રને તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારનો અભ્યાસ હાથ ધર્યા બાદ સમિતિની સલાહ બાદ આ નિર્ણય લેવાયો છે. 
આ AIIMS 800થી વધુ બેડની સુવિધા હશે. સાથે જ અહીં રિસર્ચ સેન્ટર પણ ઊભું થશે. AIIMS કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલ હોવાને કારણે રાજ્યમાં મેડિકલ ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવશે. રાજ્યમાં મેડિકલ બેઠકો વધવાની સાથે જ પીજી માટેની બેઠકો પણ વધશે. વડોદરાને AIIMS ન મળવા અંગે નિતિન પટેલે જણાવ્યું કે, દરેક વિસ્તારના ધારાસભ્યો પોતાના વિસ્તારના લોકોને વિવિધ સુવિધાઓનો લાભો મળે તેના માટે રજૂઆતો કરતા હોય છે. વડોદરામાં કેન્દ્ર સરકાર દ્વારા દેશની સૌ પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં એક સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપનાનો પ્રસ્તાવ પણ કેન્દ્ર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો દ્વારા નવા-નવા વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.  
AIIMSનો નિર્ણય કેવી રીતે લેવાયો તેના અંગે નિતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, નરેન્દ્ર મોદી દ્વારા સત્તાસૂત્રો સંભાળ્યા બાદ બજેટમાં ગુજરાત રાજ્યને એક AIIMS ફાળવવા અંગેની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યાર બાદ જમીનની વિગતો આપવા માટે રાજ્ય સરકારને જણાવાયું હતું. રાજ્ય સરકાર દ્વારા વડોદરા અને રાજકોટ એમ બંને સ્થળે જમીનની સુવિધા પૂરી પાડવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ જમીનની સાથે જ રાજ્ય સરકારે રોડ-રસ્તા, વીજળી, પાણી સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની સમિતિ દ્વારા બંને શહેરોની સમીક્ષા કર્યા બાદ રાજકોટ શહેરને AIIMS ફાળવવા અંગેનો નિર્ણય લેવાયો હતો.