ભાવનગરના મહૂઆમાં માઈનિંગનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસનો લાઠીચાર્જ
ઘણા મહિનાઓથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ચાલી રહેલા માઈનિંગની કામગીરી સામે લોકોનો અસંતોષ આજે સપાટી પર આવ્યો હતો. આજે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ડો.કનુભાઈ કલસરિયાની સાથે લગભગ એક હજાર લોકોએ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીની માઈનિંગની પ્રવૃત્તિ સામે વિરોધ કરીને માઈનિંગ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે બંદોબસ્તમાં તૈનાત પોલીસ સાથે લોકોને ઘર્ષણ થયુ હતુ. બાભોર ગામ ખાતે હજારો માણસો માઈનિંગ રોકવા માટે પહોંચ્યા હતા.જ્યારે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીએ માઈનિંગ માટે પોલીસ રક્ષણ લીધુ હતુ.
ડો.કલસરિયાએ કહ્યુ હતુ કે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હોવા છતા પોલીસે લોકો પર ટિયરગેસના સેલ છોડ્યા હતા.કેટલાક સ્થાપિત હિતો આંદોલનને દબાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.પણ અમારુ આંદોલન ચાલુ રહેશે. લોકોનુ કહેવુ છે કે તળાજા તાલુકાના વિવિધ ગામોમાં કંપની માઈનિંગ કરવા માંગે છે પણ અમે વિરોધ કરી રહ્યા છે.માઈનિંગના કારણે સ્થાનિક જમીનને નુકસાન થશે.ખેતી ખતમ થઈ જશે અને ભૂગર્ભજળ પણ દુષિત થઈ જશે.એક તરફ લોકો મેથળા બંધારાની માંગણી કરે છે.જેની સરકારને પરવા નથી અને આ વિસ્તારને સરકાર માઈનિંગ માટે મંજુરી આપી ખતમ કરવા માંગે છે.