સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (17:07 IST)

ગુજરાતની સચ્ચાઈ : સરકારી કોલેજોની સંખ્યામાં 22.4%નો ઘડાડો અને પ્રાઈવેટમાં 20.2% નો જોરદાર વધારો

છેલ્લા 7 વર્ષમાં દેશમાં ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો 22.4% ઘટયો. એથી વિપરીત, ખાનગી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો 20.2% જેટલો વધતાં દેશમાં સૌથી ગ્રોથ નોંધાવનારું રાજય બન્યું છે.નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એજયુકેશનલ પ્લાનીંગ એન્ડ એડમીનીસ્ટ્રેશન (એનઆઈઈપીએ)ના રિપોર્ટમાં આ વાત જણાવાઈ છે.રિપોર્ટ મુજબ 2011માં ગુજરાતમાં સરકારી અને ખાનગી બન્ને મળી 1664 ઉચ્ચતર શિક્ષણ સંસ્થાઓ હતી. 2016-17માં આ આંકડો વધી 2,003 થયો હતો. એમાંથી 66% સંસ્થાઓ ખાનગી હતી.
વિચિત્રતા એ છે કે ખાસ કરીને ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે વધી રહેલી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આજે અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. 2018માં એન્જીનીયરીંગ અને ટેકનીકલ કોર્સીસમાં 54% સીટો ખાલી રહી હતી. સીટો ખાલી રહેવા પાછળ સરકારી સહાયથી ચાલતી શાળા-કોલેજોની સંખ્યામાં ઘટાડો, મોંઘા શિક્ષણ અને બદલાતા શૈક્ષણિક પ્રહારો મુખ્ય કારણો છે.હાયર અને ટેકનીકલ એજયુકેશન વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુ શર્માના જણાવ્યા મુજબ સરકાર વધુ વિજ્ઞાન અને આર્ટસ કોલેજ ઉમેરી રહી છે. 
ઉચ્ચતર શિક્ષણમાં સરકારનો હિસ્સો વધે એ માટે ડિવીઝનો (વર્ગો)ની સંખ્યામાં પણ વધારો કરાઈ રહ્યો છે. એક તાલુકા, એક કોલેજ સ્કીમનો અમલ થઈ રહ્યો છે. અમે નોન-ટેકનીકલ વિષયો માટે 600 અને ટેકનીકલ કોલેજો માટે 750 શિક્ષકોની ભરતી કરી રહ્યા છે.ઉચ્ચતર શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને પ્રાપ્ય તકો બાબતે રિપોર્ટ જણાવે છે કે ગુજરાતમાં 18થી23 વયજૂથની 1 લાખની વસ્તીદીઠ 30.5 ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓ છે. કુલ વસ્તીના એ 5.09% થવા જાય છે. 
આ દ્રષ્ટીએ ગુજરાતનો ક્રમ દેશમાં 16મો છે. તેલંગણમાં 18-23 વયજૂથની 1 લાખની વસ્તીએ 565 સંસ્થાઓ અને એ પછી કર્ણાટક (51.36) તથા પુડુચેરી (62.7)નો ક્રમ આવે છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ્ડ કોલેજીસ મેનેજમેન્ટ એસોસીએશનના પ્રેસીડેન્ટ નેહલ શુકલએ જણાવ્યું હતું કે ટેકનીકલ કોર્સીસમાં 54% બેઠકો ખાલી છે. એ સૂચવે છે કે સરકારે ટેકનીકલ ક્ષેત્રે વધુ સ્વનિર્ભર કોલેજો શરુ કરવા પરવાનગી આપવી ન જોઈએ. આર્ટસ અને કોમર્સ કોર્સીસમાં ડિમાન્ડ વધુ છે. 70%થી વધુ વિદ્યાર્થીઓ એ પસંદ કરે છે.