હવે અમદાવાથી વડોદરા અને ભરૂચ વચ્ચે એસટી બસ સેવા બંધ કરાઈ
અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ ખૂબ જ નિયંત્રિત થઈ ગયા છે. હવે શહેરમાં ફરીથી કોરોના માથું ન ઊંચકે તે માટે તંત્ર તરફથી એક પછી એક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સુરત શહેરમાં કોરોનાના ખૂબ વધારે પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે. જેના પગલે ગત અઠવાડિયે સુરત અને અમાદવાદ વચ્ચે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોને બંધ કરી દેવામાં આવી હતી. હવે વધારે કડક પગલાં લેતા અમદાવાદ અને વડોદરા તેમજ અમદાવાદ અને ભરૂચ વચ્ચેની એસટીનુ બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે આ બંને શહેરમાંથી અમદાવાદ શહેરમાં કોઈ બસ નહીં આવે તેમજ અહીંથી કોઈ બસ નહીં ઉપડે. અમદાવાદમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે હવે એસટી બસ સ્ટોપ પર બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે કાબૂમાં આવી રહ્યું છે ત્યારે તંત્ર તરફથી નવો જ પ્લાન ઘડવામાં આવ્યો છે. આ પ્લાન પ્રમાણે એસટી બસ સ્ટોપ પર મુસાફરી કરતા તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. શહેરના રાણીપ અને કૃષ્ણનગર એસટી સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ માલુમ પડે તો તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવે છે. લક્ષણો વગરના દર્દીઓને સરમસ હોસ્ટેલમાં ખસેડવામાં આવે છે.