ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી: અમદાવાદ-સુરત સહિત 13 જિલ્લામાં Red Alert, 9 જિલ્લામાં શાળા-કોલેજો બંધ
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં એકસાથે ૪ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગાજવીજ અને તેજ પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે જોવા મળી શકે છે.
અમદાવાદ અને સુરત સહિત 13 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અમદાવાદ અને સુરત સહિત 13 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આમાં અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદનું એલર્ટ રેડ એલર્ટ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે સારા વરસાદની ધારણા છે.
રાજ્યના 9 જિલ્લાઓની શાળા-કોલેજોમાં રજા જાહેર વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા રાજ્યના 9 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વાલીઓ અને શાળા સંચાલકોને સરકારી સૂચનાઓનું કડકપણે પાલન કરવા જણાવાયું છે.
વહીવટી તંત્ર 'એલર્ટ મોડ' પર, લોકોને સાવચેત રહેવા અપીલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી-નાળાઓમાં પૂર આવવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા, નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને સ્થાનિક તંત્રની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા ખાસ વિનંતી કરવામાં આવી છે
