લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થશે: કેબિનેટની 50% વધારાના પ્રસ્તાવને મંજૂરી, ગુજરાતને મળશે 39 બેઠકો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં તમામ રાજ્યોની લોકસભા બેઠકોમાં 50% વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, જેના સંદર્ભે 30 નવેમ્બરથી સંસદનું ખાસ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યોના પ્રતિનિધિત્વનો વર્તમાન ગુણોત્તર જાળવી રાખવાનો અને દક્ષિણ ભારતના રાજ્યોની એ ચિંતા દૂર કરવાનો છે કે વસ્તી આધારિત સીમાંકનથી ઉત્તર ભારતના રાજ્યોનું વર્ચસ્વ વધી જશે. આ 50% વધારા બાદ લોકસભાની કુલ 543 બેઠકો વધીને 850 થઈ જશે, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોની 35 બેઠકોનો પણ સમાવેશ થશે.
મહિલા અનામતનો અમલ અને 280 બેઠકો
આ સીમાંકન દરખાસ્ત સીધી રીતે 2029ની ચૂંટણીમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ (33%) અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો કરે છે. જો આ નવી વ્યવસ્થા મુજબ લોકસભાના કુલ સભ્યોની સંખ્યા 850 થાય, તો તેમાંથી એક તૃતીયાંશ લેખે આશરે 280 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આમ, પરિસીમન પ્રક્રિયા લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ગુજરાતમાં લોકસભા બેઠકોનું સંભવિત ચિત્ર
સંસદમાં પરિસીમન બિલ પસાર થયા બાદ અન્ય રાજ્યોની જેમ ગુજરાતની લોકસભા બેઠકોમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે. 50% વધારાના ફોર્મ્યુલા મુજબ, ગુજરાતમાં હાલ જે 26 લોકસભા બેઠકો છે તે વધીને 39 થઈ શકે છે.
બેઠકોની ફાળવણીનું ગણિત અને તકનીકી પડકારો તમામ રાજ્યોમાં બરાબર 50% બેઠકો વધારવી ગણિતની દ્રષ્ટિએ થોડી જટિલ છે, કારણ કે એકી સંખ્યા ધરાવતા રાજ્યોમાં 50% વધારો પૂર્ણાંકમાં આવતો નથી. ઉદાહરણ તરીકે, તમિલનાડુ (39 બેઠકો), મધ્યપ્રદેશ (29 બેઠકો), પંજાબ (13 બેઠકો) અને દિલ્હી (7 બેઠકો)માં 50% વધારો કરતા અપૂર્ણાંક સંખ્યા આવે છે, જેને રાઉન્ડ ફિગરમાં (જેમ કે તમિલનાડુને 59) ગણવી પડી શકે છે. જો આ નિયમ મુજબ ગણતરી થાય તો કુલ બેઠકો 824 થાય, અને જો માત્ર 1 બેઠક ધરાવતા રાજ્યોની બેઠક યથાવત રાખવામાં આવે (કારણ કે 1 ની 2 કરતા 100% વધારો થાય), તો લોકસભાની કુલ સંખ્યા 816 રહેવાની શક્યતા છે.

