1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Hardik Patel Social Media Post

હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની સોશિયલ મીડિયા પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં હલચલ, ભાજપમાં આંતરિક નારાજગી કે રાજકીય સંદેશ? અટકળો તેજ

Hardik Patel
ગુજરાતના રાજકારણમાં એક સમયે પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મૂકેલી એક રહસ્યમય પોસ્ટ બાદ અલ્પેશ કથીરિયાએ પણ તેમના સમર્થનમાં આક્રમક અંદાજમાં પોસ્ટ શેર કરતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

હાર્દિક પટેલની રહસ્યમય પોસ્ટે ખેંચ્યું સૌનું ધ્યાન

25 નવેમ્બરની સાંજે હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમિલ સુપરસ્ટાર અને રાજકારણી વિજય થલપતિના ગીત સાથે એક તસવીર શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી." આ સંદેશ બાદ ધારાસભ્યનો ઈશારો કોના તરફ છે તે અંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે.

અલ્પેશ કથીરિયાએ જૂની તસવીર શેર કરી આપ્યો સાથ

હાર્દિક પટેલની પોસ્ટ બાદ આંદોલન સમયના તેમના સાથી અલ્પેશ કથીરિયાએ હાર્દિક સાથેની એક જૂની તસવીર શેર કરીને સમર્થન જાહેર કર્યું હતું. અલ્પેશે લખ્યું કે, "અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી." બંને નેતાઓના લગભગ એકસરખા આક્રમક તેવરથી રાજકીય ગરમાવો વધ્યો છે.

પોસ્ટ પાછળનું કારણ હાર્દિક જ જાણે છે: અલ્પેશ કથીરિયા

આ મામલે અલ્પેશ કથીરિયાનો સંપર્ક કરાતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે માત્ર હાર્દિક પટેલના સમર્થનમાં આ પોસ્ટ મૂકી છે. જોકે, હાર્દિકે મૂળ પોસ્ટ કયા કારણોસર અને કોને ઉદ્દેશીને કરી છે તેની પોતાને કોઈ જાણ ન હોવાનું તેમજ આ મુદ્દે હાર્દિક સાથે કોઈ વાતચીત ન થઈ હોવાનું અલ્પેશે જણાવ્યું હતું.
 

ભાજપમાં આંતરિક નારાજગી કે રાજકીય સંદેશ?

હાલ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા બંને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ત્યારે તેમની આ પ્રકારની પોસ્ટે અનેક સવાલો ઊભા કર્યા છે. શું પક્ષની અંદર કોઈ મુદ્દે નારાજગી ચાલી રહી છે કે પછી કોઈ રાજકીય નિર્ણય સામે આડકતરી રીતે સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે અંગે રાજકીય વિશ્લેષકોમાં તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
 

ચૂંટણી પહેલાં શક્તિ પ્રદર્શનની અટકળો

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાની રાજકીય તાકાત અને પ્રભાવનો અહેસાસ કરાવવા માટે આ પોસ્ટ કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ પાછળનો વાસ્તવિક હેતુ શું છે તે અંગે હજુ સુધી બંનેમાંથી કોઈ નેતાએ સત્તાવાર ખુલાસો કર્યો નથી, પરંતુ આ પોસ્ટે ફરી એકવાર ગુજરાતમાં પાટીદાર રાજકારણને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે.
આગળનો લેખ
વિમાન ભાડા પર 10% ડિસ્કાઉન્ટ, એક ક્લિકમાં બધી સેવાઓ, બોર્ડિંગ પાસ પણ ડિજી યાત્રા સક્ષમ - યુક્તિ શીખો