હીરાનગરીની નવી ઓળખ: એરપોર્ટને પણ ટક્કર મારે તેવું હશે સુરતનું ત્રણ માળનું બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ ખાસિયતો
surat station
હીરાનગરી સુરતની આગવી ઓળખને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા બુલેટ ટ્રેન સ્ટેશનને 'ડાયમંડ થીમ' પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં આગામી વર્ષથી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ વચ્ચે આ સ્ટેશનનું નિર્માણકાર્ય અંતિમ ચરણમાં પહોંચ્યું છે. આધુનિક ટેકનોલોજી, એરપોર્ટ જેવી સુવિધાઓ અને આકર્ષક સ્થાપત્ય સાથે આ સ્ટેશન સુરતના વિકાસમાં નવું સીમાચિહ્ન બનશે.
ત્રણ માળનું સ્માર્ટ માળખું
મુસાફરોની સરળ અવરજવર માટે ત્રણ માળનું સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે, જેમાં ગ્રાઉન્ડ લેવલ પર પાર્કિંગ તેમજ પિક-અપ અને ડ્રોપની સુવિધા રહેશે. કોનકોર્સ લેવલ પર ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ લાઉન્જ અને દુકાનો ઊભી કરાઈ રહી છે, જ્યારે સૌથી ઉપરના પ્લેટફોર્મ લેવલ પરથી બુલેટ ટ્રેન પકડી શકાશે. માળ વચ્ચે ઝડપી અને સુરક્ષિત અવરજવર માટે મોટી સંખ્યામાં લિફ્ટ અને એસ્કેલેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે.
Surat Bullet Train
એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ
મુસાફરોને વૈશ્વિક કક્ષાનો અનુભવ મળે તે માટે સ્ટેશનમાં બિઝનેસ ક્લાસ લાઉન્જ, નાના બાળકો સાથેના પરિવારો માટે નર્સરી, આધુનિક વૉશરૂમ અને સ્વચ્છ રિટેલ આઉટલેટ્સ તૈયાર થઈ રહ્યા છે. માર્ગદર્શન માટે ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, સ્પષ્ટ સાઇનબોર્ડ, ઇન્ફોર્મેશન કિયોસ્ક અને સ્માર્ટ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. આ સુવિધાઓથી ટ્રેનના સમય અને પ્લેટફોર્મની માહિતી મુસાફરોને તરત અને સરળતાથી મળી રહેશે.
surat railway station
પર્યાવરણલક્ષી આયોજન
સ્ટેશનને ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે છત અને દીવાલો પર ખાસ સ્કાયલાઇટ્સ લગાવાઈ છે, જેથી દિવસ દરમિયાન કુદરતી પ્રકાશ અને તાજી હવા મળે તથા વીજળીની બચત થાય. વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને પરિસરમાં હરિયાળી જાળવવા વૃક્ષારોપણનું આયોજન પણ કરાયું છે. આ રીતે આધુનિકતાની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ મહત્વ અપાયું છે.
મલ્ટી-મોડલ કનેક્ટિવિટી
બુલેટ ટ્રેન સ્ટેશનથી શહેરના અન્ય ભાગોમાં પહોંચવા માટે મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન હેઠળ પ્રસ્તાવિત મેટ્રો સ્ટેશન, BRTS બસ સ્ટોપ, રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડની વ્યવસ્થા જોડવામાં આવી રહી છે. આનાથી લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી મજબૂત બનશે અને મુસાફરોનો સમય બચશે.
સુરત-બીલીમોરા ટ્રાયલની આશા
સુરત-બીલીમોરા ખંડ પર તાજેતરમાં વીજ પુરવઠો શરૂ થતાં આ રૂટ પર ટૂંક સમયમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ થવાની આશા બળવત્તર બની છે. આગામી વર્ષથી બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારીઓ વચ્ચે સુરત સ્ટેશનની કામગીરી ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે.

