Updated: Wed, 5 Aug 2026 (16:39 IST)
chandipura virus ground report
ચોમાસાની ઋતુ વચ્ચે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (CHPV)નો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 184 થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાંથી 35 થી વધુ દર્દીઓમાં આ વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. આ જીવલેણ સંક્રમણને કારણે 15 વર્ષથી નાની વયના 22 જેટલા નિર્દોષ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોના વાલીઓમાં ભારે ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલોની સ્થિતિ અને વાયરસના મુખ્ય લક્ષણો
ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, હિંમતનગર, ગાંધીનગર, રાજકોટ, પાટણ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોના બાળરોગ વિભાગો (Pediatric Wards) ચિંતાતુર માતા-પિતાથી ભરેલા જોવા મળી રહ્યા છે. બાળકોમાં અચાનક તીવ્ર તાવ, ઉલટી, ચક્કર, ખેંચ આવવી તેમજ વધુ પડતી સુસ્તી જેવા લક્ષણો દેખાતાં જ પરિવારજનો હોસ્પિટલ તરફ દોડી રહ્યા છે. સેન્ડફ્લાય (રેતી માખી)ના કરડવાથી ફેલાતા આ વાયરસના લક્ષણો દેખાયા બાદ બાળકની સ્થિતિ ખૂબ ઝડપથી ગંભીર બની જતી હોવાથી સમગ્ર રાજ્યમાં ચિંતાનુ વાતાવરણ છે.
કુમળીવયના બાળકોમાં જ કેમ ફેલાય છે આ વાયરસ ?
15 વર્ષથી નાની વયના બાળકોમા જ કેમ ફેલાય છે આ વાયરસ ?
GCS મેડિકલ કોલેજના ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે ૧૫ વર્ષથી નાની વયના બાળકોને જ લક્ષ્ય બનાવે છે, કારણ કે આ ઉંમરે બાળકોની રોગપ્રતિકારક શક્તિ (Immunity) સંપૂર્ણ વિકસિત હોતી નથી અને મગજને રક્ષણ આપતું 'બ્લડ-બ્રેઇન બેરિયર' કવચ નબળું હોવાથી આ ન્યુરોટ્રોપિક વાયરસ લોહીમાંથી સીધો મગજ સુધી પહોંચીને સોજો (Encephalitis) પેદા કરે છે. આ ઉપરાંત, જમીનથી ઓછી ઊંચાઈએ ઊડતી સેન્ડફ્લાય (રેતી માખી) જમીન પર રમતા કે નીચે સૂતેલા માસૂમ બાળકોને સરળતાથી કરડી લે છે, અને બાળકોનું નાનું શરીર વાયરસના હુમલા બાદ તીવ્ર તાવ તથા ખેંચ જેવા ગંભીર લક્ષણોને ઝડપથી સહન કરી શકતું નથી.
મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગનું વહીવટી આયોજન
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈને કામ કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલોને કડક સૂચના આપવામાં આવી છે કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને વિલંબ કર્યા વિના ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધાવાળા ICUમાં દાખલ કરવા. આ સાથે જ પશુપાલન ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં સેન્ડફ્લાયના નિયંત્રણ માટે જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવ્યો છે.
રસી અને દવાની શોધ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન
રાજ્યના આરોગ્ય મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે, હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી (Vaccine) કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તબીબો અને સંશોધકોની વિશેષ ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વાયરસ સામે અસરકારક દવાની શોધ અને નવી રસી વિકસાવવા માટે સઘન સંશોધન (Research) શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં બાળકોને આ ખતરાથી ઉગારી શકાય
નાગરિકો માટે સાવચેતીના ઉપાયો અને અપીલ
ચાંદીપુરા વાયરસના કેસ અંગે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા કહે છે કે, "ગુજરાતમાં, અમે શંકાસ્પદ કેસ સહિત 184 દર્દીઓના રક્ત પરીક્ષણ કર્યા. તેમાંથી 35 દર્દીઓ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યા. હાલમાં, 7 દર્દીઓને સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની દેખરેખ હેઠળ વેન્ટિલેટર અને ઓક્સિજન સાથે ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. દુઃખની વાત છે કે, અત્યાર સુધીમાં 22 દર્દીઓના મૃત્યુ થયા છે, અને અમે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારી ટીમ શક્ય તેટલા ગામડાઓ સુધી પહોંચવા માટે કામ કરી રહી છે. જોકે, કેસ શોધવા અને તેનું સંશોધન તેના કરડવાથી થાય છે. સારવાર અંગે ગુજરાતભરની હોસ્પિટલો, અને અમને આશા છે કે હાલમાં હોસ્પિટલમાં એક પણ દર્દીનું મૃત્યુ ન થાય. ડોકટરો અથાક મહેનત કરી રહ્યા છે. કોઈ ચોક્કસ ઈલાજ નથી. કોઈ દવા નથી, અને કોઈ સારવાર નથી. ડોકટરો લક્ષણોના આધારે તેની સારવાર કરી રહ્યા છે."
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરી છે. તેમણે વાલીઓને સલાહ આપી છે કે કાચા મકાનો કે માટીની દીવાલોની તિરાડોનું તુરંત પુરાણ કરાવવું અને બાળકોને આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરાવવા. જો બાળકમાં તાવ કે ખેંચ જેવા કોઈ પણ પ્રારંભિક લક્ષણો જણાતાં જ સમય ગુમાવ્યા વિના નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.