અમદાવાદમાં AMTS અને BRTS 50 ટકા કેપેસિટી સાથે સોમવારથી શરુ થશે, સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી બસો દોડશે
અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ જતાં AMCએ AMTS અને BRTS બસો બંધ કરી દીધી હતી. હવે કોરોના કાબુમાં આવી ગયો છે. સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરુ કરવા માટે શહેરીજનો માંગ કરી રહ્યાં છે. ત્યારે AMCના સત્તાધિશોએ સોમવારથી AMTS અને BRTS બસ શરુ કરવાનો નિર્ણય લીધો છે.કોરોનાને કારણે બંધ કરવામાં આવેલી બસોને હવે નિયમો સાથે 50 ટકા કેપેસીટી સાથે દોડાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ તથા AMTS ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શહેરમાં સિટી બસ સેવા 18 માર્ચે બંધ કરવામાં આવી હતી. જે હવે સોમવારે 7 જૂનથી શરુ કરવામાં આવશે. શહેરમાં નાગરીકોના પરિવહન અર્થે ગાઈડ લાઈન પ્રમાણે 50 ટકા કેપેસિટી સાથે બસો દોડશે. તે ઉપરાંત હાલ પુરુતુ ટોટલ ફ્લીટની 50 ટકા બસો જ સંચાલનમાં મુકવામાં આવશે. કોરોનાની સ્થિતિને જોતાં હાલ પુરતુ રાત્રિ કર્ફ્યૂ અમલમાં હોવાથી સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી જ બસો દોડાવવામાં આવશે.અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેથી તેની આવક રોજની 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જેથી દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર્સ-કંડકટર્સની પણ રોજગારી બંધ પડી ગઈ છે. જે હવે AMCના સત્તાધિશોના નિર્ણયથી ફરીવાર પાટા પર ચઢી જશે. સરકારે પણ રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.