અમદાવાદ જિલ્લામાં 18 થી 44 વયજૂથના યુવાનો માટે કોરોના રસીકરણનો પ્રારંભ
18 થી 44 વયજૂથના યુવાનો માટેની રસીકરણ કામગીરી યુધ્ધના ઘોરણે
રાજ્યભરમાં ગ્રામ્ય ક્ષેત્રે 18 થી 44 વયજૂથના યુવાનો માટેની રસીકરણ કામગીરી યુધ્ધના ઘોરણે આરંભાઇ છે. અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોના ગ્રામજનોમાં પણ રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 200 યુવાનોએ કોરોના રસીકરણ કરાવીને કોરોના સામેના સુરક્ષા કવચથી પોતાને સજ્જ કર્યા હતા.
સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાણંદ તાલુકાના 17 ગામોનો સમાવેશ થાય છે.જે 50 હજારની વસ્તિને આવરી લે છે. 1 લી માર્ચ થી વરિષ્ઠ નાગરિકો અને 45 થી વધુ વયજૂથના કોમોર્બિડીટી ધરાવતા વ્યક્તિઓ માટે શરૂ થયેલ રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનમાં સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રસીકરણ કેન્દ્રમાં અત્યાર સુધીમાં 12 હજાર જેટલા વ્યક્તિઓ કોરોના રસીકરણનો લાભ મેળવી ચૂક્યા છે.
સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 20 આરોગ્યકર્મીઓનો સ્ટાફ ગ્રામજનોની સ્વાસ્થ્ય દરકાર કરીને દિવસ- રાત રાઉન્ડ ધ ક્લોક સેવામાં તહેનાત રહે છે.. અહીં એક મેડીકલ ઓફીસર, એક ફાર્માસીસ્ટ, એક લેબ ટેક્નીશીયન, બે સુપરવાઇઝર, 3 સ્ટાફ નર્સ, એક ફાઇનાન્સ આસીસ્ટન્ટ, 5 આશાવર્કરો,, 1 મલ્ટીપર્પસ હેલ્થકેર વર્કર અને 3 વર્ગ-4 ના કર્મીઓ દર્દીઓ માટે તેમજ રસીકરણ કરાવવા આવતા લાભાર્થીઓની સેવા-શુશ્રુષામાં કાર્યરત છે.
સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. કલપેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે, આજથી 18 થી 44ની વયજૂથના યુવાનો માટે શરૂ થયેલ રસીકરણ માટે ગામના યુવાનોમાં રસીકરણને લઇને ઉત્સાહ જોવા મળ્યો હતો. અમારી સમગ્ર ટીમ દ્વારા ગઇ કાલ રાત થી જ આરોગ્ય કેન્દ્રમાં સમાવિષ્ટ ગામોના સરપંચશ્રી અને તલાટીશ્રીઓના ગ્રુપ માં મેસેજ મારફતે લાભાર્થીઓના રસીકરણ માટેના મેસેજ આપવામાં આવ્યા હતા.. જેમાં ખૂબ જ ઝડપથી ગ્રામજનોએ સ્લોટ બુક કરાવીને રસીકરણનો મહ્ત્તમ લાભ મેળવ્યો હતો. જેના ભાગરૂપે આજે તારીખ 4 થી મે ના રોજ ખૂબ જ ટૂંકા ગાળામાં જ 200 યુવાનોએ કોરોના રસીકરણ કરાવીને પોતાને સુરક્ષા કવચ થી સજ્જ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાભાર્થી રસીકરણ માટે આવે ત્યારે સૌપ્રથમ તેને પ્રતીક્ષા કક્ષમાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ ટોકન આપીને વેક્સિનેશન રૂમમાં મોકલવામાં આવે છે.ત્યાંના તબીબી અધિકારી દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશનની ચકાસણી કરીને લાભાર્થીનું રસીકરણ કરાવવામાં આવે છે. ત્યારબાદ લાભાર્થીને અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રૂમમાં દેખરેખ હેઠળ બેસાડવામાં આવે છે.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ લાભાર્થીને આરોગ્યલક્ષી આકસ્મિક જરૂરિયાત ઊભી થાય અથવા રસીકરણની આડ અસર વર્તાય ત્યારે તાલુકા કક્ષાની અથવા સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીને ખસેડવા માટે એમ્બ્યુલન્સ સહિતની તમામ વ્યવસ્થા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.