ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (15:33 IST)

પગાર વધારા બાદ ધારાસભ્યો ટેબલ નીચે હાથ મીલાવતા હતાઃ અલ્પેશ ઠાકોર

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે જે રીતે કુલડીમાં ગોળ ભાંગીને ધારાસભ્યોના પગારમાં રાતોરાત વધારો કરી દીધો છે તેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ઘણા લોકો તો આને રીતસરની ઉઘાડી લૂંટ સાથે જ સરખાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પશ ઠાકોરે એક સ્ફોટક નિવેદન આપ્યુ છે. અંબાજીમાં પગપાળા દર્શન કરવા આવતા ભાવિકો માટેના કેમ્પની મુલાકાતે આવેલા અલ્પેશે કહ્યુ હતુ કે વિધાનસભાની અંદર એક પણ ધારાસભ્ય એવો નહોતો કે જેણે પગાર વધારાનો વિરોધ કર્યો હોય.
બિલ પસાર થયા બાદ ખુશ થઈ ગયેલા કેટલાક ધારાસભ્યોએ કોઈ ના જુએ તે રીતે ટેબલ નીચે એકબીજાની સાથે હાથ મીલાવ્યા હતા. જોકે ઘણાને બહાર આવીને એવુ લાગ્યુ હતુ કે પગાર વધારાથી લોકો રોષે ભરાશે. આથી કેટલાકે બહાર આવીને પગાર શિક્ષણ પાછળ કે લોકોના આરોગ્ય પાછળ કે બીજા કોઈ સમાજસેવાના કામ માટે વાપરતા હોવાના કારણો આપ્યા હતા.
જોકે અલ્પેશ ઠાકોરે કેટલાક ધારાસભ્યો માટે એમ પણ કહ્યુ હતુ કે 50 ટકા ધારાસભ્યો એવા છે જેમને પગાર વધારાની જરુર છે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી અને લોકોએ તેમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે. તેમની પાસે આવવા જવા માટે ડીઝલના પૈસા પણ નથી હોતા. બાકી એક લાખ રુપિયામાં કોઈ સેવા કરી શકે નહી. ધારાસભ્યોએ પણ ઘણા ખ્ચા કરવા પડતા હોય છે. તો બીજી તરફ કેટલાક ધારાસભ્યો એવા છે જેમને પગારની જરુર જ નથી.