ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (11:49 IST)

PM મોદીની માનીતી કંપની GSPCની રૂ.17061 કરોડની જંગી ખોટ

સરકારી ક્ષેત્રનું નામ આવે તો તેની સાથે જ લોલમલોલ જેવી આભા સહેજે ઉભી થઈ જાય છે. ભારતના કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો અહેવાલ રાજ્ય વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો છે. એમાં પણ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ-નિગમો, કંપનીઓ જેવા જાહેર સાહસોના વાર્ષિક હિસાબના આધારે સિધ્ધ થતાં નફા-નુકશાનની સ્થિતિની ભારે ઝાટકણી કાઢી છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, સરકાર હસ્તકના કુલ ૯૧ જેટલા જાહેર સાહસોમાંથી ૭૩ જેટલા કાર્યરત કંપનીઓ છે. ૧૪ બિન કાર્યરત કંપનીઓ છે અને ૪ સરકારી નિગમો છે. તે તમામનું કુલ રોકાણ રુપિયા ૧,૪૩,૨૧૭ કરોડ હતું. તેમાંથી કાર્યરત એવી ૭૩ કંપનીઓ અને ૪ કાર્યરત નિગમો મળીને કુલ ૭૭ કાર્યરત જાહેર સાહસોમાંથી ૫૪ જાહેર સાહસોનો કુલ નફો રુ. ૩૬૪૭ કરોડ હતો પરંતુ તેની સામે ૧૪ જેટલા બિન-કાર્યરત કંપનીઓની ખોટ ૧૮,૪૧૨ કરોડ જેટલી હતી. પરિણામ સ્વરુપ, જે કંપનીઓએ નફો કર્યો હતો તે પણ ધોવાઈ ગયો હતો અને ઉલ્ટામાં નફાને બદલે મોટી ખોટ સામે આવી હતી. 

આવી ખોટ કરતી કંપની-નિગમમાં ખાસ કરીને ગુજરાત સરકારના પ્રિતીપાત્ર એવા ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમ (જીએસપીસી) અને સરદાર સરોવર નર્મદા નિગમનો સમાવેશ થાય છે. જીએસપીસીની ખોટ તો રુપિયા ૧૭,૦૬૧ કરોડ અને સરદાર સરોવર નર્મદા નિગમની ખોટ રુ. ૯૭૩ કરોડની થઈ છે. 
અહીં મહત્વની બાબત તો એ છે કે, સરકાર હસ્તકના ૧૪ જેટલા જે બિન-કાર્યરત સાહસો છે. એમાં કુલ રુપિયા ૮૦૦ કરોડનું રોકાણ થયેલું છે. આ ૧૪ બિન-ક્રાયરત કંપનીઓ પૈકીની ૮ કંપનીઓને ફડચામાં લઈ જવાની કામગીરી ૧૯૯૭થી શરુ કરવામાં આવી હતી. જ્યારે બાકીની ૮ કંપનીઓને ફડચામાં લઈ જવાની કામગીરી હજુ શરુ કરવામાં આવી નથી. આ બાબતની કેગે ગંભીર નોંધ લીધી છે અને એવી ટિપ્પણી કરી છે કે, જે બિન-કાર્યરત કંપની રાજ્યના આર્થિક વિકાસમાં કોઈ ફાળો આપતી નથી, તે બાબતે સરકાર ઝડપભેર યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અહીં જે સરકારી સાહસોએ નફો કર્યો હતો, તેમાંથી માત્ર ૮ સાહસોએ રુપિયા ૨૩૭ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જેમાં ગુજરાત સરકારનો હિસ્સો માત્ર રુ. ૮૨ કરોડનો હતો. જેના કારણે પણ કેગે, સરકારની આકરી ટીકા કરી છે અને એવી સ્પષ્ટ ભલામણ કરી છે કે, રાજ્યના નફો કરતાં જાહેર સાહસો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ભરપાઈ થયેલા મૂડીફાળા પર વાજબી વળતર મળવું જોઈએ, આ માટે રાજ્ય સરકારે કોઈ ડિવિડન્ડ નીતિ ઘટવા અંગે વિચારણા કરવી જોઈએ.