10 દિવસમાં 12 સિંહોનો મોતથી ખળભળાટ, તપાસના આદેશ સાથે તંત્ર દોડતું થયું
ગીરના જંગલમાં હાલમાં બનેલી કેટલીક ઘટનાઓથી લાગી રહ્યું છે કે દુનિયના એક માત્ર એશિયાટિક લાયનના કુદરતી ઘરમાં પણ સિંહો સુરક્ષિત નથી. ગીરમાં ધારી નજીક દલખાણીયા રેન્જમાં 10 દિવસમાં 6 સિંહબાળ સાથે 12 જેટલા સિંહોના મોતથી ખળભળાટ મચી ગયો છે. આ 12 પૈકી 8 સિંહોનું મોત રોગ અને ઇન્ફેક્શનના કારણે થયું હોવાનું સામે આવ્યું છે જે જોતા જંગલ ખાતું પોતાની ફરજમાં નિષ્ફળ ગયાનું સામે આવી રહ્યું છે.જ્યારે ત્રણ જેટલા સિંહબાળનું મૃત્યુ સિંહોની અંદરોઅંદરની લડાઈમાં થયું છે. એક જ વિસ્તારમાં 11 જેટલા સિંહોના મૃત્યુથી વન વિભાગ દોડતો થઈ ગયો છે. જ્યારે વિભાગના જણાવ્યા અનુસાર 5-9 મહિનાના ત્રણ સિંહ બાળનું મોત 18 સપ્ટેમ્બરના રોજ સારવાર દરમિયાન થયું છે. જ્યારે બે અન્ય સિંહબાળ જસાધર એનિમલ કેર સેન્ટર ખાતે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે તો એક સિંહબાળની સારવાર જુનાગઢની વેટરનિટી હોસ્પિટલ ખાતે થઈ રહી છે. આ ઘટનાના પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ વચ્ચે પણ દુખની લાગણી પ્રસરી ગઈ છે.વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, ‘આટલી મોટી સંખ્યામાં સિંહોના મૃત્યુને લઈને તપાસ કરવાના આદેશ આપ્યા છે. ગાંધીનગરથી એક ખાસ ટીમ અમરેલીમાં તપાસાર્થે જશે. પ્રાથમિક રિપોર્ટ મુજબ 3 સિંહોનું મોત ઇન્ફાઇટમાં થયું છે જે કુદરતી કારણ છે. જ્યારે બાકીના મૃત સિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેમના મોત અંગેનું કારણ જાણવા મળશે અને પછી તે બાબતે જરુરી તમામ પ્રકારના પગલા લેવાશે.’