Unseasonal Rain in Gujarat - દિવાળી પૂર્વે ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ: આકાશમાં કાળા વાદળો, વિજળીના કડાકા અને પવન વચ્ચે એકનું મોત
Unseasonal Rain in Gujarat
ગુજરાતમાં દિવાળીના તહેવાર પૂર્વે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. એક તરફ લોકો તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ આકાશમાં છવાયેલા કાળા વાદળો, વીજળીના કડાકા અને ભારે પવને લોકોની ચિંતા વધારી દીધી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ક્યાંક મકાનના પતરા ઉડી ગયા, રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક ફટાકડાના ડોમ તૂટી પડ્યા હતા. આ કમોસમી વરસાદ વચ્ચે અમરેલી જિલ્લામાં વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અમરેલી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી નુકસાન
30 ઓક્ટોબરે બપોર પછી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભયાનક પવન સાથે ધુઆંધાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં ભારે પવનથી ખેડૂતના મકાનના પતરા ઉડી ગયા હતા અને પેટ્રોલપંપના માળખાને પણ નુકસાન પહોંચ્યું હતું. આ સિવાય, ખાંભાના ચકરાવા ગામમાં વાડીએ કામ કરી રહેલાં 46 વર્ષીય માધીબેન મકવાણા પર વીજળી પડતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, જેને બાદમાં સ્થાનિકોએ રસ્તા પરથી દૂર કરીને વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.
ગીર બોર્ડરના ગામોમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ગીર ગઢડા તાલુકાના જંગલ સરહદ નજીક આવેલા મોતીસર, નિતલી વડલી, નગડિયા અને જશાધાર થોરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં લણણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની પૂરતી શક્યતા હોવાથી ખેડૂતો ભારે આફતમાં મુકાયા છે. આ ઉપરાંત, અચાનક બદલાયેલા આ હવામાનના કારણે ખેતીની અન્ય કામગીરીઓ પર પણ વિપરીત અસર પહોંચી છે.
ઉત્તર ગુજરાત અને ગોંડલમાં પણ કમોસમી માહોલની અસર
સૌરાષ્ટ્રની સાથોસાથ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું હતું. પોશીના, ઈડર અને હિંમતનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં બપોર પછી વરસાદી છાંટા પડ્યા હતા. ઈડરના દરામલી, નેત્રામલી, ઈસરવાડા તેમજ હિંમતનગરના હિંમતપુર, ઉમિયાનગર અને મહાદેવપુરા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, ગોંડલના આઇકોનિક રોડ પર ભારે પવનના કારણે ફટાકડાના બે મોટા ડોમ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી, જોકે સદનસીબે અહીં કોઈ જાનહાનિ થઈ નહોતી.
હવામાન વિભાગની આગાહી અને અમદાવાદની સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં આ વરસાદી માહોલ સર્જાયો છે. આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેનાથી વિપરીત અમદાવાદમાં હવામાન મોટે ભાગે ચોખ્ખું રહેવાની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.
વાવાઝોડું 'દાના' અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હવામાન વિભાગ અનુસાર, અત્યંત તીવ્ર સાયક્લોનિક વાવાઝોડું 'દાના' નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, જે હાલ દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાની આસપાસ કેન્દ્રિત છે. આગામી 24 કલાકમાં તે વધુ નબળું પડીને લો પ્રેશરમાં તબદીલ થઈ જશે. આ ઉપરાંત ઉત્તર પાકિસ્તાન તરફ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે ૩.૧ થી ૪.૫ કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે, જેના કારણે ગુજરાત સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

