રાષ્ટ્રીય એકતા દિવસ 2026: વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 'રન ફોર યુનિટી'નું ભવ્ય આયોજન; CM ભૂપેન્દ્ર પટેલે પણ લગાવી દોડ
National Unity Day:
અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ યાદગાર અવસરે સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન પર 'રાષ્ટ્રીય એકતા દિવસ-2026' અને 'રન ફોર યુનિટી'નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના પગલે સમગ્ર વડોદરા શહેર દેશપ્રેમ, જોશ અને રાષ્ટ્રીયતાના રંગમાં રંગાઈ ગયું હતું.
મુખ્યમંત્રીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત, પુષ્પાંજલિ અને એકતાના શપથ
આ રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. નવલખી મેદાન પર પહોંચતા જ વડોદરા પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે મુખ્યમંત્રીનું ગાર્ડ ઓફ ઓનર આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તદુપરાંત, તેમણે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પવૃષ્ટિ કરીને તેમને ભાવાંજલિ અર્પી હતી. રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ, વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ત્યાં હાજર રહેલા તમામ નાગરિકો, અધિકારીઓ અને યુવાઓને દેશની એકતા, અખંડિતતા તથા સુરક્ષા અક્ષુણ્ણ રાખવાના દ્રઢ નિશ્ચય સાથે રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
રન ફોર યુનિટીનું પ્રસ્થાન અને મુખ્યમંત્રીની સક્રિય સહભાગિતા
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લીલી ઝંડી બતાવીને રન ફોર યુનિટી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી અને પ્રેરણાદાયી વિશેષતા એ રહી કે મુખ્યમંત્રીએ માત્ર દોડને પ્રસ્થાન કરાવીને વિરામ ન લીધો, પરંતુ તેઓ પોતે પણ અત્યંત ઉત્સાહભેર આ દોડમાં જોડાયા હતા. મુખ્યમંત્રીની નાગરિકો વચ્ચે ઉપસ્થિતિ અને તેમની સક્રિય ભાગીદારીએ દોડમાં ભાગ લઈ રહેલા યુવાનો અને નાગરિકોમાં અદ્ભુત ઊર્જા, જોશ અને નવો ઉત્સાહ ભરી દીધો હતો.
'Run for Unity' in Vadodara
નશામુક્તિનો સામાજિક સંદેશ અને મહાનુભાવોની ઉપસ્થિતિ
આ વર્ષે યોજાયેલી આ દોડ માત્ર રાષ્ટ્રીય એકતા પૂરતી મર્યાદિત ન રહેતા સામાજિક જાગૃતિનં પણ એક સશક્ત માધ્યમ બની હતી. 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની મૂળ થીમ આધારિત આ આયોજનમાં યુવાનોએ "Say No To Drugs, Say Yes To Life"ના પ્લે કાર્ડ્સ સાથે ભાગ લઈ નશામુક્તિ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનો બુલંદ સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર ગીતાબેન મકવાણા, વડોદરા શહેરના ધારાસભ્યો, કલેક્ટર અનિલ ધામેલિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

