ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે લંડનના ઓવલ મેદાન પર આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની મૅચ રમાશે.
પાંચ વારની વિજેતા અને વર્તમાન વિશ્વ ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયા પણ આ વખતે ટુર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ મનાય છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપમાં ઘણા મુકાબલા રોમાંચક બન્યા છે, પરંતુ કમનસીબી એ છે કે ભારત તરફથી આ હરીફ સામે માત્ર એક જ સદી નોંધાઈ છે.
સદી મારીને અજય જાડેજાએ રંગ રાખ્યો
આમ તો વર્લ્ડ કપમાં અને વન ડે ક્રિકેટમાં ભારતીય બૅટ્સમૅને સદી નોંધાવી હોય તેવા અઢળક કિસ્સા છે, પરંતુ હરીફ ટીમ ઑસ્ટ્રેલિયા હોય તો સદીની સંખ્યા ઘણી ઓછી છે.
એક સદી માત્ર એક જ બૅટ્સમૅનની છે, જે ગુજરાતી અજય જાડેજાએ મારી હતી.
1999ના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ભારત તરફથી અજય જાડેજાએ સદી ફટકારી હતી. ભારતીય ટીમ તેના આ હરીફ સામે 1983થી વર્લ્ડ કપમાં રમી રહી છે.
કુલ 11 મૅચમાંથી ભારતના ફાળે માત્ર ત્રણ જ વિજય આવ્યા છે, પરંતુ બંને વચ્ચેના મુકાબલા રોમાંચક રહ્યા છે.
કેટલીક મૅચમાં ઑસ્ટ્રેલિયા માત્ર એક રનથી જીત્યું છે, તો 1983માં ભારત ચૅમ્પિયન બન્યું હોવા છતાં કાંગારુ સામે તો તેનો 162 રનથી કારમો પરાજય થયો હતો.
જોકે, એ વાત અલગ છે કે બીજી લીગ મૅચમાં 1983ની 20મી જૂને ભારતે 118 રનથી વિજય હાંસલ કર્યો હતો, પરંતુ એકંદરે ઑસ્ટ્રેલિયાનું પ્રભુત્વ રહ્યું છે.
આ ગાળામાં સુનીલ ગાવસ્કરથી સચીન તેંડુલકર અને રાહુલ દ્રવિડથી વીરેન્દ્ર સેહવાગ જેવા બૅટ્સમૅન ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં રમ્યા છે, પરંતુ તેમાંથી કોઈ બૅટ્સમૅન સદી નોંધાવી શક્યા નથી.
શું કોહલીની ટીમ કલંક દૂર કરી શકશે?
1999માં આ જ ઓવલના મેદાન પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો હતો. આ વખતે નવમી જૂને મૅચ રમાનારી છે તો એ વખતે ચોથી જૂન હતી.
ઑસ્ટ્રેલિયાના 282 રનના સ્કોર સામે રમતાં ભારત 205 રન કરી શક્યું હતું, જેમાંથી 100 રન અજય જાડેજાના હતા અને 75 રન રોબિનસિંઘના હતા.
બાકીના કોઈ બૅટ્સમૅન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. અજય જાડેજાએ 138 બૉલની ઇનિંગ્સમાં લડાયક બૅટિંગ કરીને બે સિક્સર અને સાત બાઉન્ડરી સાથે 100 રન ફટકાર્યા હતા.
આમ ઑસ્ટ્રેલિયા સામે હજી સુધીની 11 મૅચમાં માત્ર એક સદી નોંધાઈ છે ત્યારે આશા રાખીએ કે રવિવારની મૅચમાં વિરાટ કોહલીની ટીમમાંથી કોઈ બૅટ્સમૅન સદી ફટકારીને આ મ્હેણું ભાંગે.