અમેરિકન ડ્રોન સાથે રશિયન જેટ ટકરાયું, બ્લેક સી પાસે ઘટના
યુક્રેનમાં રશિયન હુમલા વચ્ચે બ્લેક સી પાસે એક મોટી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રશિયન જેટ અને અમેરિકન ડ્રોન વચ્ચે અથડામણ થઈ છે. AFP ન્યૂઝ એજન્સીએ અમેરિકી સેનાના હવાલાથી ટક્કરની પુષ્ટિ કરી હતી. સાથે જ સીએનએન અનુસાર, રશિયન ફાઇટર પ્લેને બ્લેક સી પર યુએસ MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું.
સીએનએનએ અમેરિકી સૈન્ય અધિકારીનાં હવાલાથી જણાવ્યું હતું કે યુએસ રીપર ડ્રોન અને બે રશિયન SU-27 ફ્લેન્કર જેટ કાળા સમુદ્રની ઉપરથી ઉડી રહ્યા હતા. ત્યારબાદ એક રશિયન જેટ ઇરાદાપૂર્વક માનવરહિત ડ્રોનની સામે ઉડ્યું અને ઇંધણ ફેંકી દીધું. આ પછી, એક રશિયન વિમાને ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડીને તેને નીચે પાડી દીધું.
ઉલ્લેખનીય છે કે કાળો સમુદ્ર એ જળ વિસ્તાર છે જેની સરહદ રશિયા અને યુક્રેનને મળે છે. યુક્રેન યુદ્ધના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી આ વિસ્તારમાં તણાવ છે. દરમિયાન અમેરિકન ડ્રોન મારવાના કારણે આ વિસ્તારમાં તણાવ વધવાની આશંકા છે. યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન અને અમેરિકન એરક્રાફ્ટ અવારનવાર કાળા સમુદ્રની ઉપરથી ઉડાન ભરી ચૂક્યા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે બંને વિમાન સામસામે આવ્યા છે. આ ઘટનાથી સંઘર્ષ વધશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
અમેરિકી એરફોર્સનું કહેવું છે કે બે રશિયન સુખોઈ યુદ્ધ વિમાનોએ એક અમેરિકન ડ્રોનને અસુરક્ષિત અને બિનવ્યાવસાયિક રીતે અટકાવ્યું હતું જ્યારે તે તેના પ્રદેશની અંદર ઉડાન ભરી રહ્યું હતું.