રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (14:56 IST)

તમારા ગામ પૂરતા પટેલિયાના મત લઈ જજો,બાકી અમારા માટે રાખજોઃ બાવળીયાનો ઓડિયો વાયરલ

વર્ષો સુધી ભાજપને ખુલ્લેઆમ ભાંડીને ચૂંટણી જીતતા રહેલા કુંવરજી બાવળિયા ભાજપમાં ભળીને સીધા કેબીનેટ મંત્રી બન્યા બાદ હવે ભાજપમાંથી તેઓ જસદણમાં પેટાચૂંટણી લડી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં આ ચૂંટણી ચર્ચાનો વિષય બનેલ છે. આ અન્વયે આજે કુંવરજી બાવળિયા એક અપક્ષ ઉમેદવાર કિશોર સગપરીયાને 'ગામમાં પટેલિયાના મત લઈ જજો, બાકીના રહેવા દેજો' તેવું કહેતા હોવાનો એક ઓડિયો આજે વાયરલ થતા ચકચાર જાગી છે.
આ ઓડિયોમાં બાવળિયા આ ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર તરીકે ફોન ઉપાડનારને ફોન કરીને તમે તો વોર્ડની ચૂંટણી હારી ગયા છો અને હવે ધારાસભા લડો છો તેવી વાત કરીને છેલ્લે 'જાળવજો, તમારા ગામ પૂરતા મત લઈ જાઓ તો વાંધો નહીં, પટેલિયાના, બાકીના અમારા માટે રહેવા દેજો' એમ કહેતા સંભળાય છે. આ ઓડિયો વાતચીત અંગે બાવળિયાનો અને ભાજપ અગ્રણી ભારદ્વાજનો ફોન કરવા પ્રયાસ કરતા ફોન નો રિપ્લાય થયો હતો પરંતુ, આ ઉમેદવારે પોતાના પર બાવળિયાનો ફોન આવ્યાની અને આવી વાત થયાનું જણાવ્યું છે.
ખોડલધામ તાલુકા સમિતિના કન્વીનર, ભંડારીયા ગામ વિકાસ સમિતિના પ્રમુખ એવા કિશોર સગપરીયાએ જણાવ્યું કે જસદણની પેટાચૂંટણી માટે મેં ફોર્મ ઉપાડયું હોય તા.૩૦ની રાત્રિના પોણા આઠ વાગ્યે કુંવરજીભાઈએ મને ફોન કર્યો હતો. જેમાં તેમણે પટેલિયાના મત લઈ જજો, બાકીના અમારા માટે રહેવા દેજો એવું કહે છે. માટે કુંવરજીભાઈને પટેલોના મત જોઈતા ન હોય તે પ્રકારની વાત કરે છે એમ તેમણે ઉમેર્યું હતું. કિશોર સગપરિયાના પત્ની દિવ્યાબેન રાજકોટ મહાપાલિકાની વોર્ડ નં.૮ની ચૂંટણી કોંગ્રેસની ટિકીટ પર ઈ.સ.૨૦૧૫માં લડયા હતા અને ૧૧ હજાર મતો મળ્યા હતા. ખેડૂત લડત સમિતિ, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ વગેરે સંસ્થાઓમાં તે કાર્યરત છે.
બીજી તરફ આવતીકાલ તા.૬ ડિસેમ્બર એ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે જે અન્વયે આજે નડી શકતા નેતાઓને ફોર્મ પાછા ખેંચાવવાના કાવા દાવા ચાલ્યા હતા. જસદણમાં છાશવારે નેતાઓ પક્ષપલ્ટો કરે છે જે એવો નિર્દેશ આપે છે કે લોકો પર ધરાર રાજ કરવા માંગતા સત્તાભુખ્યા નેતાઓ જો મત ન મળે તો જે મત લઈ જાય એમને પોતાના કરી લેવાના કાવાદાવા કરતા રહે છે અને પક્ષપલ્ટુ માનસિકતા ધરાવતા નેતાઓથી આવા કાવાદાવા સફળ થતા રહે છે.આવતીકાલે ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ પાછુ ખેંચ્યું તે બહાર આવશે (શા માટે પાછુ ખેંચ્યું તે તપાસનો વિષય રહેશે!), અને ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થશે.