ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 માર્ચ 2022 (10:53 IST)

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ માવઠાની આગાહી, 7 માર્ચે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ

ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે દિવસે ઉનાળાની દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂકાઈ શકે છે.


હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદમાં વહેલી સવારથી દિવસ દરમિયાન ચાલુ રહેલા પવનોની અસરથી બુધવાર કરતાં ગુરુવારે અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો, અમદાવાદનું મહત્તમ તાપમાન 35.0 અને લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આગામી 24 કલાક ગરમીથી રાહત રહ્યાં બાદ 15 માર્ચથી ગરમીનો પારો ક્રમશ વધીને 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનોને કારણે બુધવારે રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. પરંતુ, ગુરુવારે પવનની દિશા બદલાતા મહુવા અને વેરાવળને બાદ કરતાં તમામ શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે. રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધી 36-37 ડિગ્રીએ પહોંચી શકે છે. જો કે 15 માર્ચ સુધીમાં ગરમી 40 ડિગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધી રહ્યું છે.