Weather News- માવઠાની આગાહી:બનાસકાંઠા, મહિસાગર સહિત ઉત્તર ગુજરાતમાં 5મી જાન્યુઆરીએ કમોસમી વરસાદની સંભાવના
છેલ્લાં ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.
આ સાથે જ 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદમાં 8 જાન્યુઆરી બાદ ઠંડી વધશે
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શુક્રવારે મોડી રાત સુધી શહેરમાં ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ, શનિવારે સવારથી અમદાવાદનું તાપમાન વધતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી અને લઘુતમ પણ 3 ડિગ્રી વધીને 15.1 ડિગ્રી નોંધાયું હતું.
પણ 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.