હવામાન વિભાગ - આગામી અઠવાડિયાથી ઠંડીમાં ઘટાડો થશે, 21 અને 22 જાન્યુઆરીએ માવઠાની આગાહી
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતાં, હવે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાથી ઠંડી ઓછી થવા માંડી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી અઠવાડિયાથી ઠંડીમાં ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળશે. તે ઉપરાંત હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે તે આગામી 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
21 અને 22 જાન્યુઆરીએ માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલે 19 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ-દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સુકુ રહેવાની શક્યતાઓ છે. તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સાઇક્લોનિક સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે કમોસમી વરસાદ પણ થયો છે. ત્યારે વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે. અનેક વિસ્તારોમાં 2થી 4 ડીગ્રી તાપમાન વધવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 18, 19 અને 20,21 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.