ગુજરાત પર 6 દિવસ વરસાદી સંકટ: 14 થી 19 સપ્ટેમ્બર ધોધમાર વરસાદ અને રેડ એલર્ટની ચેતવણી
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હાલ લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ 4 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. જેના કારણે આગામી ૧૪થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમીને ભારેથી અતિભારે વરસાદ લાવે તેવી પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે વરસાદની સ્થિતિ
આગામી ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન રહેશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની ધારણા છે. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરો માટે પણ મુસળધાર વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
૧૬ થી ૧૯ સપ્ટેમ્બર દરિયાકાંઠા અને છૂટોછવાયો વરસાદ
૧૬ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે, દરિયાકિનારે અતિશય ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા હોવાથી સુરક્ષાના ભાગરૂપે ૧૫ સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ માટે વોર્નિંગ અને એલર્ટ
સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદની શક્યતાને કારણે ઓરેન્જ વોર્નિંગ આપવામાં આવી હતી. જ્યારે ૧૫ સપ્ટેમ્બરે એકલ-દોકલ સ્થળોએ બારેમેઘ ખાંગા થાય તેવી સંભાવના સાથે ભારે વરસાદ માટે યલો વોર્નિંગ જારી કરવામાં આવી છે.
૨૪ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા
રાજ્યના ૨૪ જિલ્લાઓમાં મુસળધાર વરસાદ વરસવાની પૂરતી ક્ષમતા છે. જેમાં મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારોમાં વરસાદી જોખમ ધ્યાને રાખીને યલો વોર્નિંગ આપવામાં આવી છે.
અમદાવાદમાં જળબંબાકાર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે જેથી ત્યાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ, અમદાવાદમાં રવિવારે બપોર પછી હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને તોફાની પવન તેમજ ગાજવીજ સાથે ખાબકેલા અનરાધાર વરસાદને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના મુખ્ય માર્ગો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

