બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 ડિસેમ્બર 2022 (09:39 IST)

દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, બે દિવસના રિમાન્ડ મંજુર

વિવાદમાં ફસાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવાયતના હૂમલાનો ભોગ બનનાર પરિવારે છેક વડાપ્રધાન સુધી ફરિયાદ કરતાં દેવાયત રાજકોટ પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ તેના બે સાગરીતો હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતાં. જેથી આજે ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં. પોલીસે કોર્ટમાં ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. પરંતુ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્ચાં છે. સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. બીજી બાજુ તેના વકીલે નિવેદન આપ્યું હતું કે, પોલીસે કરેલી એફઆઈઆર ખોટી છે. 
 
એક આરોપીની જેમ દેવાયત સામે વર્તવામાં આવશેઃ ACP
હૂમલાના 10 દિવસ બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ હાજર થયા બાદ રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં એસીપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે મયુરસિંહ રાણા પર કરેલા હૂમલાના કેસમાં  દેવાયત ખવડે સરેન્ડર કર્યું છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારની શોધખોળ હાલ ચાલી રહી છે. તેમજ દેવાયત ખવડને આશરો આપનાર સામે પણ પગલા લેવામાં આવશે. દેવાયત ખવડ લોકસાહિત્યકાર છે છતાં તેની સાથે આરોપી જેવી જ ટ્રીટમેન્ટ કરવામાં આવશે.
 
પોલીસે એફઆઈઆર ખોટી નોંધી છેઃ વકીલ
દેવાયત ખવડના વકીલે પત્રકારોને કહ્યું હતું કે, પોલીસે 307 હેઠળ ગુનો નોંધ્યો છે પરંતુ પોલીસની એફઆઈઆર જ ખોટી છે.  CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે ક્યાંય માર્યું નથી. સાતથી આઠ વખત માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થઈ શકે નહીં.