જિજ્ઞેશ મેવાણીનો મંત્રી જગદીશ વિશ્વકર્માને જવાબ, હાર પચાવતાં શીખો આવા સંસ્કાર શોભતા નથી
ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ વડગામના વરણાવાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. તેમણે સ્થાનિકોને કહ્યું હતું કે, વડગામની બેઠક કોંગ્રેસને જીતાડીને તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમાં ફૂલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી હોત તો વધુ ખુશી થઈ હોત. આજે આ બેઠક ભાજપને નથી મળી તેનો રંજ છે. તેનો જવાબ આપતાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, હાર પચાવતા શીખો આવા સંસ્કાર શોભતા નથી.
હું વિધાનસભામાં તમને જવાબ આપીશ
જિજ્ઞેશ મેવાણીએ સહકારમંત્રી જગદીશ વિશ્વકર્માને જવાબ આપતાં કહ્યું હતું કે, તેમનું આ નિવેદન વડગામના ભાઈ બહેનોનું અપમાન છે. તમારામાં તાકાત હોય તો વિધાનસભામાં આવા શબ્દોનો પ્રયોગ કરજો હું ત્યાં જવાબ આપીશ. ચૂંટણીમાં હાર પચાવતાં શીખો આવા સંસ્કાર તમને શોભતા નથી. કરોડો રૂપિયાનો ઢગલો કરવા છતાંય તમે વડગામમાં હાર્યાં છો. કોરોનામાં ઓક્સિજનની અછતને કારણે લોકો તડપતાં હતાં ત્યારે તમે ત્યાં જોવાય નથી ગયાં તેના કારણે તમે હાર્યા છો. તમે 25 વર્ષથી વડગામના ખેડૂતોને પાણી વિનાના રાખ્યા છે.
સ્થાનિકોએ પાણી સહિતના મુદ્દાની રજૂઆત કરી
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે વડગામના વરનાવાડાની મુલાકાતે ગયાં હતાં. ત્યાં સ્થાનિકો સાથે તેમણે ચર્ચાઓ કરી હતી. તેમની સમક્ષ સ્થાનિકોએ પાણી સહિતના મુદ્દાઓની રજૂઆત કરી હતી. જગદીશ વિશ્વકર્માએ લોકોને મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવાની ખાતરી આપી હતી.
વડગામની બેઠક જીતાડી હોત તો વધુ ખુશી થાત
જગદીશ વિશ્વકર્માએ સ્થાનિકોને કહ્યું હતું કે, આ વખતે તમે લોકોએ વડગામની બેઠક ના જીતાડી તેનો રંજ છે. કોંગ્રેસને આ બેઠક જીતાડીને તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. હું અહીં આવ્યો છું અને મારા સ્વાગતમાં આ ફૂલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી હોત તો વધારે ખુશી થઈ હોત. તેમના આ નિવેદન બાદ લોકોમાં અનેક પ્રકારના તર્કવિતર્ક શરૂ થઈ ગયાં હતાં.