કોરોના કાબુમાં આવતાની સાથે જ આજથી ગુજરાતમાં આ ચાર મોટા ફેરફારો થશે
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના કેસ ઘટતા, આજથી અમલમાં આવે તે રીતે ચાર પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. રાજ્યભરમાં આજથી તમામ સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થશે. કોરોનાની બીજી લહેરના કારણે સરકારે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપીને 50 ટકા સ્ટાફ સાથે જ કચેરીઓ ચાલુ રાખી હતી. કેટલીક કચેરીઓ બીજી સુચના ના મળે ત્યા સુધી બંધ પણ રાખી હતી.
આ ઉપરાંત ગુજરાતમાં આજથી નવુ શૈક્ષણિક સત્ર શરુ થશે. માસ પ્રમોશન અપાયા બાદ, રાજ્યભરની તમામ શાળાઓમાં આજથી ઓનલાઈન શિક્ષણકાર્ય શરુ થશે. કોરોનાની બીજી લહેરથી પરિક્ષા લેવી મુશ્કેલ થતા, સરકારે ધોરણ 1થી 12માં માસ પ્રમોશન જાહેર કર્યુ હતું. તો કોલેજ કક્ષાએ પણ માસ પ્રોગેસન આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. સ્કુલમાં વિદ્યાર્થીઓને નહી પરંતુ સ્ટાફને હાજર રહેવુ પડશે.આ ઉપરાંત કોરોનાની બીજી લહેરને કારણે અમદાવાદ શહેરમાં બંધ કરી દેવાયેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ( AMTS ) બસ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ (BRTS ) આજથી પુન શરુ કરી દેવાઈ છે. જેના કારણે અમદાવાદનું જનજીવન પુનઃ ધબકતુ થશે.50 ટકા મુસાફરો કેપેસિટી અને 50 ટકા ફ્લિટ સાથે બસ સેવા શરૂ કરાઈ છે. સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધી બસ સેવા ચાલુ રહેશે. ત્રણ મહિના બસ સેવા બંધ રહેતા AMTSને રૂપિયા 12 કરોડ જ્યારે BRTSને રૂપિયા 9 કરોડનુ નુકસાન થવા પામ્યુ છે. જ્યારે રાજ્યભરની અદાલતોમાં આજથી રાબેતા મુજબ કામગીરી હાથ ધરાશે. જો કોઈ અદાલત માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવી હોય તેવી અદાલતોમાં કામગીરી વરચ્યુલ સ્વરૂપે યોજાશે.