કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.
કરફ્યુમાં કોણે કોણે મળી છે છૂટ, અને શુ રહેશે ચાલુ
- 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
- રેસ્ટોરન્ટ તરફથી કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે ટેક અવે સુવિધા રાતના 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.
- સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.
કરફ્યુમાં હજુ કોને છૂટ નથી, શુ રહેશે બંધ
- સાપ્તાહિક બજાર/હાટ/ગુજરી રહેશે બંધ
- શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો પણ બંધ રહેશે, ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે
- સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો , જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
- આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. પરંતુ લગ્ન માટે પહેલાથી સરકારની વેબસાઈટ ડીઝિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવી પડશે.
- અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.