હેરીટેજ વારસાને લોકો સુધી પહોંચાડવા કાર્યશીલ ‘ધ દૂરબીન’ દ્વારા કવિ સંમેલન યોજાયું
અમદાવાદ ખાતેની ધ દૂરબીન સંસ્થા દ્વારા ગત શનિવાર તા. 21 સપ્ટેમબરના રોજ ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સીટી એવા અમદાવાદ ખાતે એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનનું આયોજન ગુજરાતના પોતીકા આદિ કવિ શ્રી દલપતરામ ચોક ( હેરિટેજ સાઈટ) ખાતે યોજવામાં આવેલ હતું.આ કવિ સંમેલનમાં અમદાવાદના ઉભરતા કવિઓથી માંડીને ગુજરાતના ઉત્કૃષ્ઠ કવિઓએ અમદાવાદીઓને કવિતાઓનું રસપાન કરાવ્યું હતું. આ કવિ સંમેલનમાં જાણીતા કવિયિત્રી ઉષાબેન ઉપાધ્યાય, ગોપાલીબેન બુચ, પારૂલબેન બારોટ, ભાર્ગવીબેન પંડ્યાની સાથે-સાથે ચિરાગભાઈ ઝાઝી, ગીરીશભાઈ પરમાર, યોગેન્દુભાઇ જોશી, તાહા મન્સૂરી અને અધીર અમદાવાદી (ડો, દેવાંશુ પંડિત) ઉપસ્થિત રહ્યા હતા તો ડો. માસુંગ દેસાઈની વિશેષ ઉપસ્થિતમાં અમદાવાદના પોળ વિસ્તારમાં કવિ સંમેલનનું આયોજન થયું હતું. ધ દૂરબીન એ અમદાવાદ અને સુરતમાં વસતા આજની પેઢીના યુવાનોએ શરુ કરેલી ગુજરાતના વારસા અને માતૃભાષાનાને જન-જન સુધી પહોંચાડવાની એક ઝુંબેશ છે. ધ દૂરબીન સંસ્થા થકી તેઓ, જે રીતે દૂરબીન દૂરનું નજીક બતાવે છે તેમ યુનેસ્કો દ્વારા જાહેર થયેલ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ તથા ગુજરાતના ગૌરવવંતા વારસાને આજની યુવા પેઢી તથા આવનાર પેઢી સુધી પહોંચાડવા માંગે છે અને આ માટે તેઓ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે. તેઓ દર રવિવારે અમદાવાદની પોળમાં હેરિટેક વોકના આયોજનથી માંડીને અમદાવાદના ફેમસ ફૂડને પણ લોકો સુધી પહોંચાડવા, તેની પાછળ રહેલી ક્યારેય ન કહેવાયેલી વાતોને લોકો સુધી પહોંચાડવા ફૂડ વોકનું પણ આયોજન કરે છે.