ગુજરાતમાં તમિલ ભાષાની એકમાત્ર સ્કૂલ બંધ કરતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં, વાલીઓએ ઇચ્છામૃત્યુંની કરી માંગ
કોરોના મહામારીના કારણે ગુજરાતમાં તમામ શિક્ષણ સંસ્થાઓ હાલ બંધ છે. જેમાં ગુજરાતની એકમાત્ર તમિલ પાઠશળા પણ સામેલ છે. જોકે રાજ્ય સરકારે અચાનક અમદાવાદમાં આવેલી એકમાત્ર તમિલ પાઠશાળા કાયમી માટે બંધ કરવાનો નિર્ણય કરતાં વિદ્યાર્થી અને તેમના વાલીઓની ચિંતા વધી ગઇ છે. વાલીઓએ તમિલ સ્કૂલ બંધ કરતાં અમદાવાદ જિલ્લા કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુંની માંગ કરી છે.
મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે અમદાવાદમાં સ્થિત ગુજરાતની એકમાત્ર તમિલ સ્કૂલ વચ્ચે સત્રમાં અચાનક શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
વાલીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર તમિલ ભાષા વિરૂદ્ધ હોવાનો આ નિર્ણય સાબિત થઇ રહ્યો છે. અડધા સત્રમાં તમિલ સ્કૂલ બંધ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઇ ગયું છે. અનેકવાર આ અંગે શિક્ષણ અધિકારીઓને ફરિયાદ કર્યા બાદ પ્ણ તમિલ સ્કૂલ ફરીથી શરૂ કરવાનો નિર્ણય થયો નથી.
અમદાવાદના પૂર્વ કોર્પોરેટર જોર્જ ડાયસએ જણાવ્યું કે તમિલ સ્કૂલ બંધ થતાં વિધાર્થીઓનું ભવિષ્ય ખતરામાં છે. વાલીઓમાં પોતાના બાળકોને લઇને ચિંતા પ્રસરી ગઇ છે. એવું લાગી રહ્યું છે કે સરકાર તમિલ ભાષાના વિરોધમાં છે. રાજ્ય સરકાર સંવિધાનના મૂળભૂત અધિકારોનું હનન કરી રહી છે. જેના કારણે વાલીઓએ શુક્રવારે જિલ્લા કલેક્ટરની ઓફિસ બહાર પહોંચીને પ્રદર્શન કરી વાલીઓએ કલેક્ટર પાસે ઇચ્છા મૃત્યુંની માંગ કરી છે.