મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (10:20 IST)

સુરતમાં વેક્સિનનો પ્રથમ ડોઝ 100 ટકા લોકોને અપાયો, રાજ્યના અન્ય મોટો શહેરો કરતા પહેલા ટાર્ગેટ એચિવ્ડ કર્યો

અત્યાર સુધીમાં 1661484 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો
 
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું હતું. જેને પરિણામે આજે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100% વેક્સિનેશન કરાવવામાં સફળ રહી છે. કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત છે. જેમાં સુરત શહેરના તમામ લોકોને ફર્સ્ટ ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકા સફળ રહી છે.
 
બીજા ડોઝ માટે પણ ખુબ જ તેજ ગતિથી વેક્સિનેશન
કેન્દ્ર સરકાર દ્વારા જેટલી વેક્સિન મળતી હતી તે પ્રકારનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. મનપા દ્વારા 34 લાખ 32 હજાર 737ના ટાર્ગેટ સામે 34 લાખ 36 હજાર 213 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી 100% વેક્સિનેશન કર્યું છે. બીજી તરફ બીજા ડોઝ માટે પણ ખુબ જ તેજ ગતિથી વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1661484 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
 
શરૂઆતના તબક્કામાં ખૂબ જ મુશ્કેલીઓ આવી હતી
ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં સુરત મહાનગર પાલિકાના તમામ કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવીને આ ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. શરૂઆતના તબક્કામાં ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી હતી. વ્યક્તિનો ક્યારેક પૂરતા પ્રમાણમાં જથ્થો ન હોવાને કારણે લોકોમાં રોષ પણ જોવા મળતો હતો, પરંતુ અમારા દ્વારા સતત એવા પ્રયાસો થતા હતા કે જેટલા પ્રમાણેમાં વેક્સિન આવે તેને વ્યવસ્થિત રીતે દરેક વેક્સિનેશન સેન્ટર ઉપર પહોંચાડી રસીકરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 
 
બીજો ડોઝ ઝડપથી આપવાનો પ્રયાસ
આરોગ્ય વિભાગ સહિત અન્ય વિભાગના કર્મચારીઓએ પણ આ કામગીરીમાં શરૂઆતથી અત્યાર સુધી ખૂબ જ સહકાર આપ્યો હતો. શરૂઆતના તબક્કામાં તો વેક્સિનેશનને લઈને જાગૃતિ ઓછી હોવાથી લોકો ડોઝ પણ લેતા ન હતા. પરંતુ સતત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમજ ડોક્ટરો દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેને કારણે લોકોમાં ખૂબ જાગૃતિ આવી અને કોરોનાથી સુરક્ષિત થવા માટે માનસિક રીતે તૈયાર થયા. પ્રથમ ડોઝની માફક તમામ શહેરીજનોને બીજો ડોઝ ઝડપથી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી કોરોના સામે આપણી લડાઇ વધુ મજબૂત થાય.