બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (07:56 IST)

રામાયણ સિરિયલમાં રાવણનો રોલ અદા કરનાર લંકેશ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદીનુ અવસાન, મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા

રામાયણમાં ‘લંકેશ’નુ પાત્ર ભજવાનારા અરવિંદ ત્રિવેદીનુ અવસાન થયાના સમાચાર છે. અરવિંદ ત્રિવેદી 86 વર્ષની વયના હતા. તેઓએ મુંબઇના કાંદિવલી સ્થિત તેમના નિવાસ સ્થાને મંગળવારે રાત્રી 11.05 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદી સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામના વતની હતા.તેઓ 1991 થી 1996 સુધી સાંસદ સભ્ય તરીકે રહ્યા હતા. તેમજ ભારતીય સેન્સર બોર્ડના કાર્યકારી ચેરમેન પદે 2002ના વર્ષમાં રહ્યા હતા. 8 મી નવેમ્બર 1938 માં ઇંદોરમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીનુ મૂળ વતન ઇડર નજીકનુ કુકડીયા ગામ છે. તેઓએ મુંબઇની ભવન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અરવિંદ ત્રિવેદીને ત્રણ પુત્રીઓ હતી અને તેઓે ના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ તરીકે જાણતા હતા.

રામાયણમાં તેમના અટ્ટહાસ્યને લઇને તેઓ રાવણના પાત્ર તરીકે પંસદ કરવાાં આવ્યા હતા. તેઓએ તેમના અટ્ટ હાસ્ય વડે રાવણના તિરસ્કાર જનક પાત્રની ભૂમીકાના અભિનયને લઇ તેઓ ખૂબ જ પ્રચલિત બન્યા હતા અને લોકોના મનમાં રાવણની છબીને અંકિત કરી હતી. લંકેશ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદી રામ ભક્ત હતા. તેઓ સતત રામની ભક્તિમાં લીન રહેતા હતા. તેમના ઇડર સ્થિત નિવાસ સ્થાને તેઓના ઘરમાં જ ભગવાન શ્રી રામની સાડા ચાર ફુંટ ઉંચી રામજીની પ્રતિમા પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિયમીત પૂજા અર્ચના કરતા હતા.

અરવિંદ ત્રિવેદી રામજન્મોત્સવને પ્રતિવર્ષ અચુક ઉજવતા હતા. તેમના મિત્ર વર્તૂળ અને તેમની દિકરીઓ અને જમાઇઓની ઉપસ્થિતીમાં તેઓ રામનવમીની ઉજવણી કરતા હતા. ઇડરમાં તેઓ રામનવમીના દિવસે ઉપસ્થિત રહેતા અને રામની પૂજા અર્ચના કરતા હતા. તેમની આ પરંપરા નિયમીત રહી હતી. ઉંમરના કારણે નાદુરસ્ત તબિયત છતા તેઓ રામ જન્મોત્સવ ની ઉજવણી કરવા મુંબઇ થી અચૂક ઇડર આવી પહોંચતા હતા. તેઓ તાજેતરમાં પણ ઇડર સ્થિત તેમના અન્નપૂર્ણા નિવાસ સ્થાને રોકાણ કરવા માટે આવ્યા હતા.