સોમનાથ મંદિરના પ્રસાદ માટે NID એ તૈયાર કર્યા ખાસ બોક્સ: નંદી, બિલિપત્ર અને ધાર્મિક રંગોથી સજ્જ ઈકો-ફ્રેન્ડલી પેકેજિંગ
somnath prasad box
સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ ધામ ખાતે પ્રસાદ માટેના આ બે નવા બોક્સનું લોન્ચિંગ કર્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સહયોગથી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. NIDની ટીમ દ્વારા ભારતના 28 જેટલા જાણીતા મંદિરોમાં પ્રસાદના પેકેજિંગનો ગહન અભ્યાસ અને અંબાજી મંદિરની ફિલ્ડ વિઝિટ કર્યા બાદ આ ઈકો-ફ્રેન્ડલી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.
નંદી, બિલિપત્ર અને ધાર્મિક રંગોથી સજ્જ આકર્ષક ડિઝાઇન
પ્રસાદના આ નવા બોક્સ માટે કુલ 18 થી પણ વધુ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, જેમાંથી આખરે શિવજીના વાહન નંદી, બિલિપત્ર અને મંદિરના ભવ્ય આર્કિટેક્ચરથી પ્રેરિત 2 અદ્ભૂત ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી છે. આ બોક્સમાં પૂજામાં વપરાતા હળદર અને કુમકુમને ધ્યાનમાં રાખીને પીળો (યલો) અને કેસરી (ઓરેન્જ) રંગ પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે નંદીને વાદળી (બ્લૂ) રંગમાં કંડારવામાં આવ્યા છે. આ ઉપરાંત, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે બોક્સ પર પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ બચાવવાના ખાસ સામાજિક સંદેશાઓ પણ લખવામાં આવ્યા છે.
પ્લાસ્ટિકના બદલે કાગળ અને ટીનનો ઉપયોગ
સોમનાથ મંદિરમાંથી મળતા પ્રસાદના પ્લાસ્ટિકના ડબ્બાઓને લીધે થતા પ્રદૂષણને અટકાવવા માટે વર્ષ 2024 થી આ ડ્રીમ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. NIDના ફેકલ્ટી નેહા માંડલિક અને તેમની ટીમે પર્યાવરણની રક્ષાને પ્રાધાન્ય આપીને હવે પ્લાસ્ટિકના બદલે કાગળ અને ટીન (મેટલ)માંથી બનેલા આકર્ષક બોક્સ તૈયાર કર્યા છે. આ પહેલથી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરામાંથી મુક્તિ મળશે અને સોમનાથ ધામમાં આવતા લાખો ભક્તોમાં પર્યાવરણ પ્રત્યે એક સકારાત્મક સંદેશ જશે.
ભક્તિ અને પર્યાવરણ રક્ષાનો અનોખો સંગમ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ધામ ખાતેથી શરૂ થયેલો આ ક્રાંતિકારી બદલાવ ભક્તિ અને પર્યાવરણની સુરક્ષાનો એક અનોખો સંગમ બની રહેશે. ભક્તો હવે જ્યારે પણ મંદિરથી બહાર નીકળશે ત્યારે તેમના હાથમાં રહેલો પવિત્ર પ્રસાદ માત્ર શ્રદ્ધાનું જ નહીં પરંતુ કુદરતની જતનનું પણ પ્રતીક બનશે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકનો ત્યાગ કરીને કાગળ અને ટીનના ડબ્બા અપનાવવાનો સોમનાથ ટ્રસ્ટનો આ નિર્ણય આગામી દિવસોમાં દેશના અન્ય ધાર્મિક સ્થળો માટે પણ પ્રેરણાદાયી સાબિત થશે.
