સંબંધિત સમાચાર
- ગુજરાત પર મેઘરાજા મહેરબાન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આશંકા, જાણો તમારા શહેરની સ્થિતિ
- ગુજરાતમાં ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય: આગામી દિવસોમાં જામશે વરસાદી માહોલ
- હજારો રૂપિયા ખર્ચ કરીને ગરબા રમવા પહોચ્યા ખેલૈયા, પણ ગ્રાઉંડ પર મળ્યુ કિચડ, યૂનાઈટેડ વે ગરબા મહોત્સવમાં લાગ્યા હાય હાય ના નારા - વીડિયો
- ગુજરાતમાં રેડ એલર્ટ, IMD એ 15 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે
- ગુજરાતના 5 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, આગામી દિવસોમાં IMD ની આગાહી
સૌરાષ્ટ્રમાં આફત વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ: મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક
jitu vaghani
સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા અનરાધાર વરસાદ અને તેના કારણે સર્જાયેલી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શન મોડ પર આવી ગઈ છે. અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સવારે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે એક ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી વાઘાણીએ ત્રણેય જિલ્લાની વર્તમાન સ્થિતિ, વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત નાગરિકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની ઝીણવટભરી વિગતો મેળવી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉચ્ચ પદાધિકારીઓ અને પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં એક્શન પ્લાનની ચર્ચા
આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિત સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો વર્ચ્યુઅલી જોડાયા હતા. લોકલ લીડરો ઉપરાંત ત્રણેય જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO), મહાનગરપાલિકાના કમિશનરો અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પોતપોતાના એક્શન પ્લાન અને લાઈવ રિપોર્ટ સાથે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નદી-નાળાની સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી તથા ડેમોની સલામતી અને ઓવરફ્લો સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવા કડક સૂચના અપાઈ હતી.
ઇમરજન્સી સેવાઓ સ્ટેન્ડબાય: જોખમી હોર્ડિંગ્સ અને મકાનો દૂર કરવા આદેશ
ભારે વરસાદના કારણે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વીજ પુરવઠો કે પાણી પુરવઠો ખોરવાવો અથવા રસ્તાઓ બ્લોક થવા જેવી તાત્કાલિક સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે PGVCL, પાણી પુરવઠા, સિંચાઈ અને માર્ગ-મકાન વિભાગને સ્ટેન્ડબાય મોડ પર રહેવા મંત્રીએ આદેશ આપ્યા છે. આ ઉપરાંત, સંભવિત અકસ્માતો અટકાવવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભયજનક મકાનો અને હોર્ડિંગ્સની ફરી એકવાર ચકાસણી કરીને જોખમી એકમોને તાત્કાલિક ધોરણે દૂર કરવા તાકીદ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ સજ્જ: આશ્રયસ્થાનોમાં ભોજન-પાણી અને હેલ્થ ટીમો તૈનાત
વરસાદી માહોલ બાદ સંભવિત રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગને તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવા જણાવવામાં આવ્યું છે, સાથે જ ક્લોરિન ટેબ્લેટ્સ અને ORSનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા આદેશ અપાયા છે. ખાસ કરીને સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્યની વિશેષ કાળજી લેવા કલેક્ટરોને સૂચના અપાઈ છે. જરૂરિયાત ઊભી થતાં લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવા અને ત્યાં તેમના માટે ભોજન-પાણીની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા વહીવટી તંત્રને કહી દેવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના અભિગમ સાથે કામ કરી રહી છે.
અમરેલી જિલ્લાની સ્થિતિ: 12 ઇંચ વરસાદ, 2 NDRFની ટીમો અને હાઈ એલર્ટ ડેમ
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે સીઝનના કુલ સરેરાશ વરસાદના 42 ટકાથી પણ વધુ છે, જેમાં છેલ્લા 24 કલાકમાં જ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બચાવ કામગીરી માટે અમરેલીમાં હાલમાં 2 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 76 નાગરિકોનું રેસ્ક્યુ અને 641 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. બંધ થયેલા 25 રસ્તાઓમાંથી 19 રસ્તાઓ પૂર્વવત કરાયા છે. જળાશયોની વાત કરીએ તો ધાતરવડી (100%), સુરજવાડી (100%), ખોડીયાર (96%) અને રાયડી (95%) ડેમ ભરાઈ જતાં હાઈ એલર્ટ પર છે, જ્યારે ધાતરવાડી-2 એલર્ટ પર અને શેલ-દેદુમલ ડેમને વોર્નિંગ લેવલ પર રાખવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાની સ્થિતિ: માલણ નદીમાં 8 લોકોનું રેસ્ક્યુ અને 4 ડેમ હાઈ એલર્ટ પર
ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 8 ઇંચ વરસાદ વરસ્યો છે, જે કુલ સરેરાશ વરસાદના 30 ટકાથી વધુ છે અને છેલ્લા 24 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાહત-બચાવ માટે અહીં 1 NDRFની ટીમ તૈનાત છે અને નાગરિકો માટે 982 આશ્રય સ્થળો નિયત કરાયા છે, જ્યારે 859 આપદા મિત્રોને તાલીમબદ્ધ કરાયા છે. મહુવા તાલુકાના ઓથા ગામે માલણ નદીના વહેણમાં અમદાવાદના 8 નાગરિકો કાર સાથે તણાયા હતા, જે તમામને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા છે. જિલ્લામાં પંચાયત હસ્તકના 7 બંધ રસ્તાઓ પર ડાયવર્ઝન અને વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ કરાઈ છે. પાણીની ભરપૂર આવક થતાં ભાવનગરનો માલણ (100%), શેત્રુંજી (100%), રોજકી (98%) અને રંઘોળા (96%) ડેમ હાઈ એલર્ટ પર છે.
રાજકોટ જિલ્લાની સ્થિતિ: તાલુકા દીઠ લાયઝન અધિકારીઓની નિમણૂંક અને ડેમો વોર્નિંગ પર
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જે કુલ સરેરાશ વરસાદના 18 ટકાથી વધુ છે અને છેલ્લા 24 કલાકમાં અહીં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટમાં હાલ 1 NDRF અને 1 SDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. જિલ્લાના વેણુ-2 (76% ભરાયેલો) તથા આજી-2 (73% ભરાયેલો) ડેમમાં પાણીની સતત આવકના પગલે તેને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં સુદ્રઢ સંકલન જળવાઈ રહે તે માટે દરેક તાલુકામાં એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના લાયઝન અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા દરેક તાલુકામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના પણ કરી દેવાઈ છે.
