એક્ટર રિતેશ દેશમુખે ગુજરાતની આ દિકરી માટે ટ્વિટ કરીને કરી માંગઃ ઈડરમાં રેલી યોજાઈ
ગયા રવિવારે સાયરાની કોલેજિયન યુવતીની લટકતી લાશ મળી હતી. આ મામલે 4 શખ્સ સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. યુવતીની ગઈકાલે અંતિમવિધિ કરાઈ હતી. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં જસ્ટિસ ફોર કાજલની માંગ સાથે અનુસૂચિત જાતિના લોકોએ મોટી સંખ્યામાં રેલી યોજી હતી.
આરોપીઓને ફાંસી આપોના નારા લગાવી રેલી બાદ આરોપીઓને સખત સજાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું. યુવતીના હત્યારા અને દુષ્કર્મીઓને સજા કરાવવા માટે અરવલ્લી, અમદાવાદ અને સાબરકાંઠામાં કેન્ડલ માર્ચ અને રેલીઓ યોજાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાયરાની દીકરીના ન્યાય માટે રેલી નીકળી હતી. ઈડરિયા ગઢ તરફથી જૈનાચાર્ય રજન માર્ગથી રેલી નીકળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો જોડાયા હતા. બેનરો સાથે આરોપીઓને ફાંસી આપોના નારા સાથે રેલી યોજાઈ
હતી.દિલ્હીની કોર્ટે નિર્ભયાના આરોપીઓને ફાંસીની તારીખ નક્કી કરી દેતાં જ દેશભરમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. પણ જ્યારે ગુજરાતના મોડાસાના સાયરા ગામની દીકરી પર સામુહિક દુષ્કર્મ આચરી તેને ઝાડ પર લટકાવી દીધી હોવા છતાં પણ ગુજરાતમાં ક્યાંય પણ અનુસુચિત જાતિ સિવાય કોઈ અવાજ ઉઠતો જોવા મળી રહ્યો નથી. મોડાસાના સાયરા ગામના લોકોએ કાજલને ન્યાય અપાવવા માટે ગત મોડી રાત્રીએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું.