વડોદરામાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે ઉઠ્યો વિરોધનો સૂર
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામકાજ હજુ પ્રાથમિક તબક્કામાં જ છે, ત્યારે તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. વડોદરામાં કેટલાક લોકોએ આ પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું.વડોદરાની શિલાલેખ સોસાયટી અને પતરાની ચાલીના રહેવાસીઓએ બુલેટ ટ્રેનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
વડોદરા રેલવે સ્ટેશનની પાછળ આવેલા આ રહેવાસી વિસ્તારોના લોકોનું કહેવું છે કે, જ્યારથી તેમણે સાંભળ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તેમની સોસાયટી અને આ ચાલી કપાતમાં જાય છે, ત્યારથી તેમની ઊંઘ ઉડી ગઈ છે. રહેવાસીઓએ જણાવ્યું કે, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સર્વેયરોએ તેમને કહ્યું હતું કે, તેમણે આ પ્રોજેક્ટ માટે તેમના મકાનો ખાલી કરવા પડશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જાપાનના સહયોગથી ચાલી રહ્યું છે. આ બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચેનું 508 કિમીનું અંતર માત્ર 2 કલાકમાં પુરં કરશે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે જાપાનના વડાપ્રધાનની અમદાવાદ મુલાકાત પહેલા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ 15મી ઓગસ્ટ 2022 સુધીમાં પૂરો કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે જાપાને 50 વર્ષ માટે 0.1 ટકાના વ્યાજે 1 લાખ કરોડની લોન આપી છે.જોકે, આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કેટલાક વિરોધ પક્ષો પણ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આટલા કરોડ રૂપિયા બુલેટ ટ્રેન માટે ખર્ચવાને બદલે જો એટલા જ રૂપિયામાં વર્તમાન રેલવેની સિસ્ટમ સુધારવા માટે ખર્ચવામાં આવે તો લોકોને વધુ ફાયદો થશે.