રાહુલ સાથેની કથિત મુલાકાતમાં હાર્દિકે કઇ શરતો મુકી ?
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે અમદાવાદની તાજ હોટલમાં થયેલી કથિત મુલાકાત ચર્ચામાં છે. મીડીયા હોટલના સીસીટીવી ફુટેજના આધારે અહેવાલો આપી રહેલ છે તો હાર્દિકે મીડીયા સમક્ષ આવીને જાહેર કર્યુ છે કે હું તેમને મળ્યો નથી, જો મારે મળવુ હોય તો જાહેરમાં મળીશ. જો કે સુત્રો રાહુલ-હાર્દિક મુલાકાતની પુષ્ટી કરે છે અને હાર્દિક પટેલે આ દરમિયાન પાટીદાર સમાજની અનેક શરતો મુકી હતી. પ્રથમ શરત પાટીદાર અનામત, બીજી શરત વિજય થવા પર સરકારમાં ભાગીદારી અને ત્રીજી શરત રાષ્ટ્રદ્રોહના કેસ સાથે જોડાયેલી છે. હાર્દિક ઇચ્છે છે કે કોંગ્રેસ સ્પષ્ટતા કરે કે કયા પ્રકારે અને બંધારણની કઇ જોગવાઇ થકી જો કોંગ્રેસ સત્તામાં આવે તો પાટીદારોને અનામત આપશે. કોંગ્રેસ જો સતામાં આવે તો સરકારમાં પાટીદારોને કેટલા ટકા નેતૃત્વ મળશે. સાથોસાથ પાટીદારો પર થયેલા રાષ્ટ્રદ્રોહના કેસ પાછા ખેંચવા અને પાટીદાર યુવાનોની હત્યા પાછળ જવાબદાર લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની વાત પણ જણાવી હતી. હાર્દિક પટેલે પોતાના સમાજના હક્કની અનેક વાતો રાહુલ ગાંધી સમક્ષ રાખી છે. જો કે આ મુલાકાતનો હાર્દિક ઇન્કાર કરી રહ્યા છે પરંતુ સીસીટીવીમાં તેને હોટેલમાં અવર-જવર કરતો જોવામાં આવ્યો છે. સુત્રો કહે છે કે હાર્દિક પટેલ હાલ ખુલ્લેઆમ કોંગ્રેસનું સમર્થન કરી શકે તેમ નથી કારણ કે હાર્દિકનો પુરો સમાજ અત્યારે ભલે ભાજપ સાથે ન હોય પરંતુ તે કોંગ્રેસ સાથે પણ નથી. પાટીદારોમાં યુવા અને વડીલો વચ્ચે મતભેદ છે. એવામાં હાર્દિકને જયાં સુધી સમાજનું સંપુર્ણ સમર્થન ન મળે ત્યાં સુધી તે કોંગ્રેસને ટેકો જાહેર નહી કરે. હાર્દિક હવે ૧૦ દિવસમાં ૧૦ જિલ્લામાં મોટી મોટી રેલી યોજવાના છે જે થકી સમાજનો ટેકો મેળવવાનો પ્રયાસ કરશે. અગાઉ પણ હાર્દિકે કોંગ્રેસને શરતી સમર્થન આપવાની તૈયારી દર્શાવી હતી.