અમદાવાદ પહોંચ્યા રાહુલ ગાંધી- હાર્દિક પટેલની સાથે કરશે બેઠક
આજે રાહુલ ગાંધી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે 1 વાગે હાર્દિક પટેલ સાથે મુલાકાત યોજવાના છે. આ મુલાકાત પછી બપોરે 2 વાગે નવસર્જન સંમેલનમાં હાજરી આપવાના છે. રાહુલ ગાંધી પછી 3 વાગે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સાથે પણ ખાસ મુલાકાત કરવાના છે. આ ઉપરાંત રાહુલ 4 વાગે પાટીદારો સાથે ખાસ મુલાકાત કરવાના છે.
સોમવારે ગાંધીનગરમાં સેક્ટર-૭માં રામકથા મેદાનમાં ઓબીસી એકતા મંચનુ વિશાળ સંમેલન યોજાઇ રહ્યું છે જેમાં રાહુલ ગાંધી કોંગ્રેસ દ્વારા આયોજીત નવસર્જન ગુજરાત જનાદેશ રેલીમાં ઉપસ્થિત રહેશે. રાહુલની હાજરીમાં અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે કોંગ્રેસમાં પ્રવેશ મેળવશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર કરીને અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. આ સંમેલન કોંગ્રેસ માટે પણ ચૂંટણીપ્રચારનું માધ્યમ બની રહેશે.
બેઠક બાદ અલ્પેશ ઠાકોરે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાવવા જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ૨૨ વર્ષના શાસનમાં ભાજપ સરકાર પ્રજાની હાલાકી-મુશ્કેલીઓ દૂર કરવામાં નિષ્ફળ રહી છે ત્યારે હવે ગરીબોની સરકાર રચાશે તે માટે અમે કોંગ્રેસને મદદ કરીશું.