અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિત આ નેતાઓએ કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હરિન પાઠક, ભરત બારોટ, ગોરધન ઝાડફિયા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર અને આર.એમ. પટેલ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ તેમજ પૂર્વ ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
132 દિવસ બાદ ગુજરાત મંત્રીમંડળ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક
ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યના મંત્રીઓ સાથે ખાસ ડિનર બેઠક યોજવાના છે. અગાઉ ૪ જુલાઈ, 2026 ના રોજ અમદાવાદ એરપોર્ટ પર યોજાયેલી બેઠક બાદ હવે બરાબર 132 દિવસ પછી વડાપ્રધાન ફરીવાર મંત્રીમંડળ સાથે સીધો સંવાદ સાધવા જઈ રહ્યા છે, જેને રાજકીય અને વહીવટી દૃષ્ટિએ ખૂબ જ સૂચક માનવામાં આવે છે.
વિકાસકાર્યોની સમીક્ષા અને આગામી રણનીતિ પર મંથન
આ ડિનર બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની અત્યાર સુધીની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિ અને આગામી પ્રાથમિકતાઓ અંગે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. અગાઉની બેઠકની જેમ જ આ વખતે પણ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી ઝડપથી પહોંચે અને વહીવટી તંત્ર વધુ ગતિશીલ બને તે દિશામાં વડાપ્રધાન મંત્રીઓને જરૂરી માર્ગદર્શન આપશે.
અંબાજી પ્રવાસ મોકૂફ, કાર્યક્રમ ગાંધીનગર પૂરતો મર્યાદિત
14 નવેમ્બરના રોજ લાભપાંચમના પવિત્ર પર્વે વડાપ્રધાન બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરે દર્શન-પૂજા કરવા જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. અંબાજી પ્રવાસ રદ થતાં હવે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ માત્ર ગાંધીનગર પૂરતો જ મર્યાદિત રહેશે, જેથી સૌની નજર લોકભવનની બેઠક પર ટકેલી છે.

