જામનગરમાં મેડીકલ ઓફિસર ઉપર કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો હુમલો
જામનગર મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર ઉપર આજે સાંજે વિરોધપક્ષના મહિલા કોર્પોરેટરે હુમલો કરતાં આરોગ્ય કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને ન્યાયની માંગણી સાથે કર્મચારીઓએ કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાંક સમયથી કેટલાંક બાહુબલી કોર્પોરેટરો દ્વારા સ્વ વિવેક ગુમાવીને એક જનપ્રતિનિધિને ન શોભે તેવું દાદાગીરીભર્યું વર્તન કરવાની ઘટના સતત બની રહી છે. દાદાગીરી આચરવામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો એકબીજાથી ચડિયાતા સાબિત કરવાની જાણે હોડમાં ઉતર્યા હોય તેમ લાગે છે.
આવા કિસ્સાઓમાં ભોગ બનનાર અધિકારી કે કર્મચારીઓને કમિશનર કે પદાધિકારીઓનું સમર્થન મળતું ન હોવાના પાપે કોર્પોરેટરો બેફામ બન્યાં છે અને અપશબ્દો બોલી તેમજ શારીરિક હુમલાઓ કરી ખુલ્લેઆમ દાદાગીરી આચરી રહ્યાં છે. આ ઘટનાથી આરોગ્ય કર્મચારીઓમાં આક્રોશ ઉપરાંત ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ મુદ્દે સલામતીની ખાતરી ન મળે અને ન્યાય ન મળે ત્યાં સુધી કામ નહીં કરવાની મહિલા કર્મચારીઓએ પણ જાહેરાત કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે, સર્વે કે અન્ય કોઇ કામગીરીમાં કોર્પોરેટરને રસ નથી પરંતુ તેઓ કહે તે સમયે અને સ્થળે ફોગીંગ કરાવા માટે ધમકાવે છે.
ફોગીંગ મશીન બંધ થઇ જતાં નવા મશીનની વ્યવસ્થા થતી હતી તે દરમિયાન મહિલા કોર્પોરેટર જેનબબેન ખફીએ મેડીકલ ઓફિસર ઉપર હુમલો કર્યો હતો. આ મામલે વહીવટી વડા તરીકે કમિશનર સતિષ પટેલ તેમજ નૈતિક રીતે કર્મચારીઓના રક્ષણની જેની જવાબદારી છે તે પદાધિકારીઓ કાયદાકીય પગલાં લે તે જરૂરી છે. નહિંતર આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકશે નહીં. ભૂતકાળમાં પણ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ સરેઆમ ગુંડાગીરી આચર્યાની ઘટનાઓ બની ચૂકી છે પરંતુ બન્ને પક્ષના નેતાઓ ધુતરાષ્ટ્ર બનીને આવા તત્વોને છાવરી રહ્યાં હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓમાં અસંતોષ અને અસલામતિની લાગણી જોવા મળે છે.