ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જૂન 2018 (12:50 IST)

અરવલ્લીમાં ભારે વરસાદઃ ભિલોડા-શામળાજી રોડ બંધ, ગામડાઓને એલર્ટ કરાયા

રાજસ્થાનમાં ભારે વરસાદે કારણે અરવલ્લીની હાથમતી અને બુઢેલી નદીમાં ધોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને પગલે તંત્રએ શામળાજી-ભિલોડા રોડ બંધ કરાવ્યો હતો. બીજી તરફ રતનપુર ખાતે નેશનલ હાઇવે નંબર-8 પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. રાજસ્થાનમાં ગત રાત્રીએ ઉદયપુર, ડુંગરપુર અને રતનગઢમાં ભારે વરસાદ પડ્યો હતો.  રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે જ સરહદે આવેલા અરવલ્લી જિલ્લાની હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.રાજસ્થાનમાં ભારે વરસાદ અને બુધવારે ભિલોડામાં એક જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના ટાકાટુકા, ઉબસલા, બોલુન્દ્રા, ઢોલવાણી, સિલાસણ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં ધોડાપૂર આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરાયા છે.
નદીનું સ્તર જો હજી પણ વધશે તો નીચાણવાળા ગામડાઓના લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી શકે છે. હાથમતી નદી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશે છે. ગઈકાલે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદ તેમજ મંગળવાર રાતથી અરવલ્લી જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે બંને નદીમાં પૂર આવ્યાં છે. શામળાજી અને ભિલાડામાં ગઈકાલ રાતથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે ગઈકાલે જ હાથમતી નદીમાં નવા નીર આવ્યા હતા, પરંતુ રાત્રે પડેલા વરસાદને કારણે બુધવારે સવારથી જ નદી તોફાની બની હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મામલતદાર સહિતના અધિકારીઓ કામે લાગી ગયા છે. તલાટી મંત્રીઓના મારફતે નદીના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિકોને નદી કાંઠે ન જવાની સૂચના પણ આપી દેવામં આવી છે.  છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. મંગળવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે શામળાજીમાં મંદીર તરફ જવાનો રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. મોડી રાતથી શરૂ થયેલી વરસાદ હાલ પણ ચાલુ જ છે.