ગુજરાતમાં કોરોના વાયરસના 95માંથી 53 લોકલ ટ્રાન્સમિશનના અને 33 વિદેશના પોઝિટિવ કેસ
ગુજરાતમાં ગઇકાલે એક જ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે કોરોના પોઝિટિવના સાત નવા કેસો નોંધાયા છે. આ સાતેય કેસ અમદાવાદના છે. જ્યારે આજ ગોધરાના દર્દીનું મૃત્યુ થયું છે. કોરોના અપડેટ અંગે વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું છેકે, રાજ્યમાં સાત નવા પોઝિટિવ કેસની સાથે કુલ આંક 95એ પહોંચ્યો છે. અમદાવાદમાં સાત નવા કેસ નોંધાયા છે. જેમાં એક 7 વર્ષની બાળકી પણ છે, જેની હાલત સ્થિર છે. પંચમહાલના દર્દીના મૃત્યુ સાથે રાજ્યમાં કુલ 8 દર્દીના મોત થયા છે જ્યારે 10 લોકો સાજા થયા છે.
સાત નવા કેસોમાં 6 લોકલ ટ્રાન્સમિશનના કેસો નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવને સાત નવા કેસો અંગે જણાવ્યું છેકે, સાત નવા કેસોમાં ત્રણ કેસ 60 વર્ષથી ઉપરના, બે કેસ 30 વર્ષથી ઉપરના, એક કેસ 17 વર્ષનો અને એક કેસ 7 વર્ષનો છે. સાતેય પોઝિટિવ કેસમાંથી 6 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે અને એક કેસ આંતરરાજ્ય ટ્રાવેલિંગનો કેસ છે. 95 પોઝિટિવ કેસમાંથી 75 દર્દી સ્ટેબલ છે, 2 વેન્ટિલેટર પર છે.
જિલ્લાવાર આંકડો જોઇએ તો અમદાવાદમાં 38 પોઝિટિવ કેસ અને 3 મોત, સુરત 12 પોઝિટિવ કેસ અને 1 મોત, રાજકોટ 10 પોઝિટિવ કેસ, ગાંધીનગર 11 પોઝિટિવ કેસ, વડોદરા 9 પોઝિટિવ કેસ અને 1 મોત, ભાવનગરમાં 7 પોઝિટિવ કેસ અને 2 મોત, પોરબંદરમાં 3 પોઝિટિવ કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, કચ્છ અને મહેસાણામાં 1-1 પોઝિટિવ કેસ તેમજ પંચમહાલમાં 1 પોઝિટિવ કેસ અને 1નુ મોત નીપજ્યું છે.
રાજ્યમાંથી કુલ 1944 ટેસ્ટ કરાવવામાં આવ્યા, જેમાંથી 1847 નેગેટિવ ટેસ્ટ, 95 પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે. જ્યારે હજી 2ના ટેસ્ટ રિપોર્ટ આવવાના બાકી છે. રાજ્યમાં કુલ 16015 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 14868 હોમ ક્વૉરન્ટીન, 880 સરકારી ક્વૉરન્ટીન, 267 ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન છે. કાયદાનો ભંગ કરવા બદલ 418 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.