ગુજરાતમાં 4 નવા એરપોર્ટ, ગિફ્ટ સિટી એરક્રાફ્ટ લીઝિંગ અને અમદાવાદથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની શક્યતા
Gujarat new Airport
ગાંધીનગરમાં પ્રથમ વખત યોજાયેલા બે દિવસીય ઈન્ડિયા એરપોર્ટ એક્સ્પો-૨૦૨૬ની પાંચમી આવૃત્તિ દરમિયાન રાજ્યના ઉડ્ડયન ક્ષેત્રને વેગ આપતી વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સિવિલ એવિયેશન વિભાગ અને ગુજસેઈલના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કેશોદ, પોરબંદર, અંકલેશ્વર અને દાહોદમાં નવાં એરપોર્ટ વિકસાવવાની યોજના રજૂ કરાઈ છે. પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ ડો. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે પ્રાદેશિક એરપોર્ટના વિસ્તરણ, ટૂંક સમયમાં શરૂ થનારી કાર્ગો સેવાઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણથી રાજ્યના પ્રવાસન તથા હવાઈ પરિવહન માળખાને મોટી મજબૂતી મળશે.
ગિફ્ટ સિટી એરક્રાફ્ટ લીઝિંગ અને એવિયેશન હબ તરીકે મજબૂત
ગિફ્ટ સિટી-આઈએફએસસીએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. દીપેશ શાહના જણાવ્યા મુજબ, ૨૦૨૧માં લીઝિંગ નિયમો અમલમાં આવ્યા બાદ અહીં ૪૦થી વધુ એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓ કાર્યરત થઈ છે. આ કંપનીઓએ ઈન્ડિગો, એર ઈન્ડિયા, અકાસા એર અને સ્પાઈસજેટ સહિતની એરલાઈન્સ તેમજ વિયેતનામ જેવાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ૨૭૦થી વધુ વિમાન લીઝ પર આપ્યાં છે. આગામી દાયકામાં ભારતીય એરલાઈન્સને ૧,૫૦૦થી વધુ વિમાનની જરૂરિયાત ઊભી થવાની શક્યતા વચ્ચે ગિફ્ટ સિટી ફાઈનાન્સિંગ, લીઝિંગ અને વીમાની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બની રહ્યું છે.
બુડાપેસ્ટ અને ભારત વચ્ચે સીધી ફ્લાઈટની સંભાવના
ભારત સાથે વ્યાપારિક અને પ્રવાસન સંબંધો વધુ ગાઢ બનાવવા હંગેરી પણ સીધી હવાઈ સેવા શરૂ કરવા માટે ઉત્સુક છે. હંગેરીના ઈકોનોમિક એન્ડ કોમર્શિયલ કાઉન્સેલર લેવેન્ટે કાર્ડોસે બુડાપેસ્ટથી અમદાવાદ, દિલ્હી અથવા મુંબઈ માટે સીધી ફ્લાઈટ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે ભારતને હંગેરી માટે મહત્વપૂર્ણ વ્યાવસાયિક ભાગીદાર ગણાવતાં યુરોપમાં પ્રવેશ માટે હંગેરી એક સક્ષમ દ્વાર સાબિત થઈ શકે તેમ જણાવ્યું હતું.
અમદાવાદ અને ધોલેરામાં એર કાર્ગો હબ વિકસાવવાની દિશા
એર કાર્ગો એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ સમીર શાહે નોંધ્યું હતું કે ગુજરાતનો મોટા ભાગનો હવાઈ કાર્ગો હાલ મુંબઈ મારફતે મોકલવામાં આવે છે. અમદાવાદને સીધું આંતરરાષ્ટ્રીય હવાઈ કાર્ગો જોડાણ મળે તે માટે ઉદ્યોગ, સરકારના સહયોગ અને સુઆયોજિત વ્યવસ્થાની જરૂર છે. અમદાવાદને કાર્ગો હબ તરીકે વિકસાવવાની સાથે ભવિષ્યમાં ધોલેરા પણ આ ક્ષેત્રમાં મહત્વનો વિકલ્પ બની શકે છે.
અમદાવાદ-નૈરોબી સીધી ફ્લાઈટ અંગે કેન્યા એરવેઝની વિચારણા
કેન્યા એરવેઝ અમદાવાદ અને નૈરોબી વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવાની શક્યતા પર સક્રિય રીતે વિચારણા કરી રહી છે. એરલાઈનના કિન્યોનો કિટ્ટોનીએ જણાવ્યું હતું કે આ રૂટ પર સીધી ફ્લાઈટ શરૂ કરવા અંગે વિચારણા ચાલી રહી છે અને ભારતીય ઉદ્યોગોને આફ્રિકામાં વેપાર તથા નિકાસની તકો ઝડપવા પ્રોત્સાહન આપ્યું હતું. કેન્યા એરવેઝ 27 જાન્યુઆરી, 2027 ના રોજ પોતાની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી કરવા જઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય જોડાણ અને વેપાર વૃદ્ધિની નવી તકો
રાજ્યમાં નવા એરપોર્ટ, કાર્ગો સુવિધા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના સંભવિત જોડાણથી ગુજરાતની વૈશ્વિક કનેક્ટિવિટી નવા તબક્કામાં પ્રવેશી રહી છે. બુડાપેસ્ટ અને નૈરોબી જેવા શહેરો સાથે સીધી હવાઈ સેવા શરૂ થવાથી પ્રવાસીઓની અવરજવર સરળ બનશે તેમજ આયાત-નિકાસ ક્ષેત્રને પણ નવી ગતિ મળશે. આ સમગ્ર માળખાકીય વિકાસથી ગુજરાત આગામી સમયમાં એવિયેશન અને વેપાર બંને દૃષ્ટિએ વધુ અગ્રેસર બનશે.

