1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Emergency Services,

ગુજરાતમાં દિવાળી-નવા વર્ષની ઉજવણી ભારે પડી! 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી, અકસ્માતો બમણાથી પણ વધ્યા

Emergency Services
Emergency Services


તહેવારોની ઉજવણી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ઈમર્જન્સી સેવાઓની માગમાં મોટો વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને નવા વર્ષના દિવસે ઈમર્જન્સી કોલમાં સૌથી વધુ સરેરાશ 26 ટકાનો અને ત્યાર બાદ ભાઈબીજના દિવસે 14 ટકાનો વધારો નોંધાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ ઈમર્જન્સી કેસમાં 25 ટકા કે તેથી વધુનો ઉછાળો આવ્યો હતો.
 

EMRI 108 દ્વારા સંભાળવામાં આવેલા કુલ કેસ 

સામાન્ય દિવસોમાં રાજ્યમાં દરરોજ સરેરાશ 5,248 ઈમર્જન્સી કેસ નોંધાતા હોય છે. તેની સરખામણીએ ઈએમઆરઆઈ 108 દ્વારા દિવાળીના દિવસે 5,934, નવા વર્ષના દિવસે 6,595 અને ભાઈબીજના દિવસે 5,984 ઈમર્જન્સી કેસ સંભાળવામાં આવ્યા હતા
.

માર્ગ અકસ્માતોમાં ચિંતાજનક વધારો 

 
તહેવારો દરમિયાન માર્ગ અકસ્માતના બનાવો વધવાને કારણે ઈમર્જન્સી સેવાઓ પર ભાર વધ્યો હતો. સામાન્ય દિવસોમાં નોંધાતા સરેરાશ 646 માર્ગ અકસ્માતના કેસની સામે દિવાળીએ 87.62 ટકાના વધારા સાથે 1,212, નવા વર્ષે 138.54 ટકાના વધારા સાથે 1,541 અને ભાઈબીજે 59.75 ટકાના વધારા સાથે 1,032 કેસ નોંધાયા હતા.
 

બિન-વાહનજન્ય ટ્રોમાના કેસની સ્થિતિ 

 
માર્ગ અકસ્માતો ઉપરાંત બિન-વાહનજન્ય ટ્રોમા (ઈજા) ના કેસમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ 595 કેસ નોંધાય છે, જેની સામે દિવાળીના દિવસે 75.3 ટકાના વધારા સાથે 1,043, નવા વર્ષે 57.7 ટકાના વધારા સાથે 938 અને ભાઈબીજના દિવસે 21.7 ટકાના વધારા સાથે 724 ઈમર્જન્સી કેસ નોંધાયા હતા.
 
દિવાળીના દિવસે મુખ્ય શહેરોની સ્થિતિ
 
 રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો દિવાળીના દિવસે ઈમર્જન્સી કેસમાં સુરત શહેરમાં સૌથી વધુ 10.9 ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ રાજકોટ શહેરમાં 6.8 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
 

નવા વર્ષે વડોદરામાં સૌથી વધુ કેસ વધ્યા 

 
નવા વર્ષના દિવસે ઈમર્જન્સી કેસ વધવામાં વડોદરા શહેર મોખરે રહ્યું હતું, જ્યાં સૌથી વધુ 25.7 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટમાં 21.7 ટકા અને અમદાવાદમાં 13.5 ટકાનો વધારો ઈએમઆરઆઈના આંકડા મુજબ સામે આવ્યો હતો.
 

ભાઈબીજના દિવસે શહેરોમાં નોંધાયેલો વધારો

 
 ભાઈબીજના દિવસે રાજ્યના મુખ્ય શહેરોમાં રાજકોટમાં સૌથી વધુ 14.6 ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ વડોદરામાં 9.6 ટકા અને અમદાવાદમાં 7.9 ટકાનો વધારો નોંધાયો હતો.
 

25 ટકાથી વધુ વધારો ધરાવતા જિલ્લાઓ 

 
રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં ઈમર્જન્સી કેસમાં ઓછામાં ઓછો 25 ટકાનો વધારો નોંધાયો હતો. આ જિલ્લાઓમાં ભરૂચ, ભાવનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.
 

દાઝી જવાના બનાવોમાં નોંધપાત્ર ઉછાળો 

 
ફટાકડા અને અન્ય કારણોસર દાઝી જવાના બનાવોમાં પણ મોટો વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ 11 કેસની સામે દિવાળીના દિવસે 62 અને નવા વર્ષે 26 કેસ નોંધાયા હતા, જેમાં દિવાળીએ સૌથી વધુ અમદાવાદમાં 13, સુરતમાં 12 તથા રાજકોટ અને કચ્છમાં 6-6 કેસ નોંધાયા હતા.
 
આગળનો લેખ
IND vs PAK : ભારત અને પાકિસ્તાનની ટીમો એશિયા કપ ફાઈનલમાં સામ સામે, બંને વચ્ચે ખરાખરીનો જંગ