શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (09:54 IST)

આજથી શરૂ થતા વિધાનસભા સત્રમાં કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે

ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. સત્રના પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જ્યારે બીજા દિવસે મહત્વના ઠરાવો પસાર કરવામાં આવશે.  આવતા મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની હોઇ શાસક ભાજપ સરકાર અને વિરોધ પક્ષ કોંગ્રેસ આ સત્રનો રાજકીય ફાયદો ઉઠાવવાની ભરપૂર કોશિશ કરશે
 
કોંગ્રેસ તરફથી સરકારને વિધાનસભાની અંદર અને વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કરતાં તેની સામે વિધાનસભાના નિયમોના નિયમ ૧૦૬ હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ વિધાનગૃહમાં રજૂ કરવાની અનુમતિ માગતી નોટિસ પણ સ્પીકરને સોંપી દીધી છે.
 
મંગળવારે સ્વર્ગસ્થ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ઉપરાંત દિવંગત ૯ પૂર્વ ધારાસભ્યોને અંજલિ આપી ગૃહમુલતવી રહેશે. બુધવારે સવારે અને બપોરે એમ બે બેઠકમાં ૬ વિધેયકોની પણ ચર્ચા થશે. 
 
વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોનું સંમેલન મળ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ ખેડૂતોના દેવામાફી મુદ્દે વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સંમેલન બાદ કોંગ્રેસ રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા જશે.