ગાંધીનગરમાં મિશનરી સ્કૂલની શિક્ષિકાએ વિદ્યાર્થીઓના હાથ પર બાંધેલી રાખડીઓ કાપી નાંખી
ગાંધીનગર શહેરના સેક્ટર-૨૧માં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં શિક્ષક દ્વારા પોતાના ક્લાસમાં તમામ વિદ્યાર્થીના કાંડા ઉપર બાંધેલી રાખડીઓ કાઢી નાંખવા માટે ગઇકાલે સુચના આપી હતી એટલુ જ નહીં, ત્યાં જ રાખડીઓ કપાવી પણ દીધી હતી ત્યારે ભાઇ-બહેનના પવિત્ર સબંધરૃપી રાખડી કાપી નાંખવાની પ્રવૃત્તિ સામે વાલીઓમાં રોષ ફેલાયો છે જેને લઇને શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે જો કે, સ્થાનિક શિક્ષણ વિભાગ આ બાબતે હજુ અજાણ છે.
તાજેતરમાં જ ભાઇ-બહેનના પવિત્ર પર્વરૃપી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે જાહેર રજા હોય છે જેના કારણે સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગરની પણ મોટાભાગની શાળાઓમાં શનિવારે રાખી ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થિનીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓના હાથમાં રાખડી બાંધવામાં આવે છે એટલુ જ નહીં, આ પવિત્ર સબંધની સાક્ષીરૃપી રાખડી ઘણી શાળાઓમાં શિક્ષિકાઓએ પણ શિક્ષકોને બાંધી હતી. ત્યારે નગરના સેક્ટર-૨૧માં આવેલી એક ખાનગી સ્કૂલમાં આવી રીતે કોઇ હિન્દુ તહેવાની ઉજવણી કરવામાં આવતી તો નથી જ સાથે રાખડીઓ પહેરીને આવેલા વિદ્યાર્થીઓને પણ ધમકાવવામાં આવે છે.
એટલુ જ નહીં, ગઇકાલે ધો-૫ના વર્ગમાં આ સ્કૂલના એક શિક્ષક દ્વારા તમામ વિદ્યાર્થીઓના હાથ ઉપરની રાખડીઓ કઢાવી દેવામાં આવી હતી જેમની રાખડી નીકળતી કે છુટતી ન હતી તેમની રાખડીઓ ત્યાં જ કાપી દેવામાં આવી હતી. આવી હિન પ્રવૃત્તિ અંગે વાલીઓને ખ્યાલ આવતા વાલીઓમાં ભારોભાર રોષની લાગણી ફેલાઇ છે એટલુ જનહીં, આ બાબેત જાગૃત વાલી દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી સુધી પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આર્વી છે તો બીજીબાજુ આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તેમની સુધી હજુ સુધી કોઇ ફરિયાદ આવી નથી કોઇ વાલી કે નાગરિકની લેખિત કે મૌખિક રજુઆત આવશે તો પણ સ્કૂલ વિરૃધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.