યુનો અને વિશ્વમાં પાકિસ્તાન “રાહુલ ગાંધીની ભાષા” બોલે છે અને રાહુલ ગાંધી “પાકિસ્તાનની ભાષા” બોલે છે– ભરત પંડયા
કાશ્મીર મુદ્દે રાહુલ ગાંધીએ કરેલ ટ્વીટ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, સંસદમાં એકબાજુ કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. સંસદની બહાર દેખાવો અને પ્રદર્શન કર્યાં હતાં. સમગ્ર દેશની જનતા જન્માષ્ટમી ઉત્સવ ઉજવતી હતી ત્યારે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ કાશ્મીરમાં જઈને ઉશ્કેરણી ફેલાવવાના પ્રયાસ કર્યા હતાં.
હવે, દેશની જનતાનો મૂડ જોઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે ત્યારે તેમણે નહેરૂજીએ ઈતિહાસમાં જે ભયંકર ભૂલ કરી હતી તેની માફી માંગવી જોઈએ અને કાશ્મીર મુદ્દે પોતે અને કોંગ્રેસના જે જે નિવેદનો થયાં હતાં તે તમામ પાછા ખેંચીને દેશની જનતાની માફી માંગવી જોઈએ અને સાચા અર્થમાં દેશહિતના નિર્ણયને સ્વીકારતાં હોય તો પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવામાં જોઈએ.
ભરત પંડયાએ વધુ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ બેબુનિયાદ અને જૂઠ્ઠાં નિવેદનો કરે છે કે, “ભાજપ કાશ્મીર વિષે ખોટી દિશામાં જઈ રહ્યો છે અને કાશ્મીરમાં હિંસા થાય અને લોકો મરી રહ્યાં છે” અને આ નિવેદનનો ઉપયોગ પાકિસ્તાન યુનોમાં કરી રહ્યું છે. પાકિસ્તાન “રાહુલ ગાંધીની ભાષા” બોલે છે અને રાહુલ ગાંધી “પાકિસ્તાનની ભાષા” બોલે છે એ દેશની જનતા જોઈ રહી છે. 370ની અસ્થાયી કલમને દૂર કરીને ભારતના સંવિધાનને કાશ્મીરમાં સ્થાયી બનાવીને સાચા અર્થમાં સમગ્ર દેશમાં “એક ભારત-એક સંવિધાન”નું સુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ચરિત્રાર્થ કર્યું છે.
પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સરદાર પટેલ, ડૉ.બાબાસાહેબ આંબેડકર અને ડૉ.શ્યામા પ્રસાદમુખર્જીનું સ્વપ્ન સાકાર કર્યું છે. દેશની જનતાના મન-હ્દયમાં 70 વર્ષ જૂની તીવ્ર લાગણી હતી તેનું પ્રતિબિંબ પૂરૂં પાડ્યું. દેશની એકતા અને અખંડિતતા, કાશ્મીરની જનતાના કલ્યાણ માટે અલગાંવવાદી અને આતંકવાદી સામે કડક હાથે કામ લેવા માટેનું આ શ્રેષ્ઠ અને ઐતિહાસિક નિર્ણય છે એ દેશની જનતા જાણે છે.