શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ઑગસ્ટ 2019 (13:33 IST)

ગુજરાતમાં ત્રણ મહિલાઓ કોંગો ફિવરનો શિકાર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે અસર

ગુજરાતમાં  કોંગો ફિવર નામનો રોગ માથું ઉંચકી રહ્યો છે. લીંબડી તાલુકાના જામડી ગામના સુખીબેન મેણીયા અને લીલાબેન સિંધવના કોંગો ફિવરથી મોત થયા બાદ આજે ભાવનગરમાં અમુબેન નામના વધુ એક મહિલાનું મોત થયું છે. આમ ત્રણ મહિલા કોંગો ફિવરનો શિકાર થઈ છે.
ભાવનગરના કમળેજ ગામની 25 વર્ષની મહિલા અમુબેનને તાવ આવતા તેને ગત 22 ઓગસ્ટના રોજ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેના લોહીના નમૂના લઇ પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ મહિલાને વધુ સારવાર મળે તે પહેલા જ રાત્રે 2 વાગ્યે તેણીનું મોત થયું હતું. જેથી ફરજ પરના તબીબે તેને શંકાસ્પદ કોંગો ફિવરને કારણે મોત થયાનું જાહેર કર્યું હતું. પરંતુ ગઇકાલે પૂનાથી રિપોર્ટ આવ્યો તેમાં સત્તાવાર રીતે સ્પષ્ટ થયું હતું કે, મહિલાનું મોત કોંગો ફિવરને કારણે નીપજ્યું છે.
આ પહેલા 20 ઓગસ્ટના રોજ કોંગો ફિવરને કારણે મૃત્યુ પામેલા લીલાબેન સિંધવના સાસુને પણ કોંગો ફિવર થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તેની સારવાર કરનાર નર્સના પણ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ કોંગો ફિવરના લક્ષણ ધરાવતા 9 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. 9 દર્દીઓમાં હળવદના 3, એક રાયખડનો યુવાન, બે ડૉક્ટર, 2 પેરા મેડિકલ સ્ટાફ અને એક જામડી ગામની મહિલાનો સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગોનો કહેર વકરી રહ્યો હોવાછતાં આરોગ્ય તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. હાલ રોજ કોંગો ફીવરના એકથી બે નવા કેસ સામે આવી રહ્યા છે. જેને પગલે કોંગો ફીવરનો અલાયદો વોર્ડ ઉભો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જામડી ગામમાં જ ત્રણ મહિલાને કોંગો પોઝિટીવ અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આમ આ એક જ ગામમાં ત્રણ મહિલાને કોંગો પોઝેટીવ આવી ચુકયા છે. જે પૈકી બેના મોત થઇ ચૂક્યા છે.