રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (14:12 IST)

સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ ભાજપ અધ્યક્ષ હવે ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરશે

ગુજરાત ભાજપના પ્રમુખપદે સી.આર પાટીલની નિમણુંક બાદ નવી ટીમની રચના પહેલા સી.આરએ પ્રવાસ શરૂ કર્યો હતો. જેમાં સૌ પહેલા મુખ્યમંત્રીના વિસ્તાર સૌરાષ્ટ્રમાં જઈ આવ્યાં, હવે આગામી 3 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતનાં પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે. પાટીલ સૌ પ્રથમ અંબાજી દર્શન કરી ઉત્તર ગુજરાતનાં પ્રવાસની શરૂઆત કરશે. જ્યાં તમામ કાર્યકર્તાઓની મૂંઝવણ, ફરિયાદ અને રજુઆત સાંભળશે. ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સી.આર પાટીલની નિમણુંક સાથે જ ભાજપના સ્થાનિક નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. પાટીલે પણ પોતાની સ્ટ્રેટેજી સાથે જોરશોરથી કામગીરી ચાલુ કરી દીધી છે. જેમાં નવા સંગઠનની રચના પહેલા પાટીલે પહેલો જ પ્રવાસ મુખ્યમંત્રીના વિસ્તારથી કર્યો હતો, હવે બીજા રાઉન્ડમાં નાયબ મુખ્યમંત્રીનો વિસ્તાર પકડશે. ગુજરાત ભાજપ સંગઠનમાં તો ધરમૂળથી બદલાવ લાવવા પાટીલ સક્રિય તો થયા છે. સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લોકસભાની 26 માંથી 26ની જેમ વિધાનસભાની 182માંથી 182 બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં ભાજપ સરકારના બે મુખ્ય પદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વિસ્તારમાં ભાજપની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ખાસ કરીને 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળ્યા બાદ સરકારની કામગીરી અને સંગઠન સાથેના સંકલનની પરિસ્થિતિ કેવી છે તે ચકાસવા પાટીલ પોતે પ્રવાસ પર નીકળી ગયા છે.