ભાજપના સાંસદે વરસાદી નુકસાન મુદ્દે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા CMને પત્ર લખ્યો
ગુજરાતમાં સતત થઈ રહેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતો બેહાલ થઈ રહ્યાં છે. રાજયમાં ખાસ કરીને સૌરાસ્ટ્રમાં વરસાદે ભારે બેટિંગ કરતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક ધોવાઈ ગયો છે. હવે આ મુદ્દે ભાજપના પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ઘેડ વિસ્તારમાં પાકને થયેલા નુકસાનને લઈને CMને પત્ર લખીને સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. એક મહિનાથી સતત વરસાદને પગલે ઘેડ વિસ્તારના ગામડાઓમાં પાકને નુકસાન થયું છે. પોરબંદર, કુતિયાણા, માંગરોળ, કેશોદ અને ઉપલેટા સહિતના ગામોના ખેડૂતોનો પાક નિષ્ણફ ગયો છે. ભાદર, વેણુ, મોજ, ઓજત, મીણસાર, સારણ અને મધુવતી ડેમના પાણી છોડતા સૌથી વધુ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ગામડાઓમાં નુકસાન થયું છે. જેથી રાહત પેકેજ જાહેર કરવા માટે માંગ કરી છે. ચાલુ વર્ષે સારો પાક થશે તેવી આશાએ ખેડૂતોએ જુદા જુદા પાકોનું બહોળી માત્રામાં વાવેતર કર્યુ હતુ. શરૂઆતમાં પાકને જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતાં ધરતીપુત્ર ખુશખુશાલ થઈ ગયો. પરંતુ છેલ્લા 15 દિવસથી સતત વરસાદ અને તેમાંય છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદે સારા પાકનું ચિત્ર બદલી નાખ્યું છે. નદીઓમાં આવેલા ઘોડાપૂરના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાય ગયો છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે બીજા પાકના વાવેતર માટે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માંગ કરી છે. ગોંડલ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે વેકરીમાં પણ ખેડૂતોનો મોટાભાગનો પાક ધોવાય ગયો છે. સતત વરસાદના પગલે મરચી, કપાસ અને મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જેથી કિસાન સંઘે કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી અને પાકનો સર્વે કરી યોગ્ય સહાય આપવા માંગ કરી છે.