અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ઈમેલ પર ધમકી: 1:11 વાગે બ્લાસ્ટની ચેતવણીથી વાલીઓમાં દોડધામ
ahmedabad bomb threat
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ તેમજ ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ અને સી.એન. વિદ્યાલયને ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ વિધ્યાર્થીઓના વાલીઓમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ચિંતિત વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને તાબડતોબ શાળાએ પહોંચી ગયા હતા.
ઈમેલમાં 1:11 વાગે બ્લાસ્ટ અને દિલજીતના કોન્સર્ટનો ઉલ્લેખ
આ ધમકીભર્યો ઈમેલ ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઈમેલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે બપોરે exact 1:11 વાગે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, ઈમેલમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજના આગામી કોન્સર્ટનો પણ ઉલ્લેખ કરીને વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને આ કોન્સર્ટમાં ન મોકલે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે સઘન ચેકિંગ
ધમકીની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ કાફલો, સેક્ટર અધિકારીઓ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સુરક્ષા દળોએ શાળાઓના સમગ્ર પરિસર, વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ એરિયાને સીલ કરી કોર્ડન કરી લીધા હતા. તકેદારીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ
સુરક્ષા એજન્સીઓ દ્વારા કલાકો સુધી ચલાવવામાં આવેલા સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન સદ્ભાગ્યે કોઈ પણ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ ધમકી માત્ર એક ફેક અથવા અફવા (હોક્સ ઈમેલ) હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. તેમ છતાં, પોલીસે ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સ કે સંગઠનનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને વધુ કાયદાકીય તપાસ તેજ કરી છે.

